AIથી બાહુબલી : ધ બિગિનિંગ જેવી મોટી ફિલ્મ બનાવી શકાશે પાંચ લાખ રૂપિયાના બજેટમાં

21 March, 2026 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ ગોપાલ વર્માએ આવો દાવો કરીને કહ્યું કે આવનારો સમય ટેક્નૉલૉજી ફિલ્મ બનાવવાની રીતને સંપૂર્ણપણે બદલાવી નાખશે

AIથી બાહુબલી : ધ બિગિનિંગ જેવી મોટી ફિલ્મ બનાવી શકાશે પાંચ લાખ રૂપિયાના બજેટમાં

‘સરકાર 4’ બનાવવા સજ્જ થયેલા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ હાલમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ફિલ્મમેકિંગના ભવિષ્ય વિશે બોલ્ડ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ટેક્નૉલૉજીની મદદથી ‘બાહુબલી : ધ બિગિનિંગ’ જેવી મોટી ફિલ્મ પણ પાંચ લાખ રૂપિયાના બજેટમાં બનાવી શકાશે. રામ ગોપાલ વર્માના મત પ્રમાણે આવનારો સમય ટેક્નૉલૉજી ફિલ્મ બનાવવાની રીતને સંપૂર્ણપણે બદલાવી નાખશે.
રામ ગોપાલ વર્માએ વાતચીતમાં પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઝડપી વિકાસને કારણે ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં ઘણો બદલાવ જોવા મળશે. AI ટૂલ્સની મદદથી ફિલ્મમેકર્સ સરળતાથી વિઝ્યુઅલ્સ, ઍક્શન-સીક્વન્સ અને સંપૂર્ણ ડિજિટલ દુનિયા પણ તૈયાર કરી શકશે. આને કારણે મોટા બજેટ, વિશાળ ક્રૂ અને મોંઘા સેટની જરૂરિયાત એક હદ સુધી ઘટી શકે છે.’

રામ ગોપાલ વર્મા કી આગ મારી સૌથી ખરાબ ફિલ્મ

ફિલ્મમેકર રામ ગોપાલ વર્માના નામે ‘સત્યા’, ‘કંપની’, ‘રંગીલા’ અને ‘ભૂત’ જેવી ઘણી હિટ ફિલ્મો છે; પણ રામુ પોતાની હિટ ફિલ્મોને ‘ઍક્સિડન્ટ’ ગણાવે છે અને પોતાની સૌથી ખરાબ ફિલ્મ વિશે પણ તેણે વાત કરી છે. રામગોપાલ વર્માએ જણાવ્યું હતું કે તેની અત્યાર સુધીની સૌથી ખરાબ ફિલ્મ ‘રામ ગોપાલ વર્મા કી આગ’ છે અને એ પછી બીજા નંબરની સૌથી નબળી ફિલ્મ ‘ડિપાર્ટમેન્ટ’ છે. રામગોપાલ વર્માએ જણાવ્યું હતું કે આ બન્ને ફિલ્મોમાં તેની કરીઅરનો સૌથી વધુ સમય અને પૈસા ખર્ચાયા હતા. ‘રામ ગોપાલ વર્મા કી આગ’માં અમિતાભ બચ્ચન, મોહનલાલ અને અજય દેવગન જેવા જાણીતા કલાકારો જોવા મળ્યા હતા. આ ફિલ્મ ક્લાસિક ફિલ્મ ‘શોલે’ પરથી પ્રેરિત હતી.

ram gopal varma bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news