03 April, 2026 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂર
ડિરેક્ટર નીતેશ તિવારીના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ ‘રામાયણ’ આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. ફિલ્મની રિલીઝની તૈયારીઓ ખૂબ જ મોટા સ્તરે ચાલી રહી છે અને એમાં અનેક મોટા કલાકારો જોવા મળશે. દર્શકોમાં પહેલાંથી જ આ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે એનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં રણબીર કપૂર ટ્રિપલ રોલમાં જોવા મળી શકે છે. તે ભગવાન રામના પાત્રમાં તો હશે જ, પરંતુ રિપોર્ટ્સ મુજબ તે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ પરશુરામનાં પાત્રમાં પણ નજર આવી શકે છે. રણબીરનો પરશુરામ લુક ખાસ હશે એવું કહેવાઈ રહ્યું છે. આ ટ્રિપલ રોલ ભગવાન વિષ્ણુના અવતારો વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે બનાવવામાં આવ્યો છે.
આ ફિલ્મને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે, જેનું કુલ બજેટ ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. ફિલ્મ માટે અયોધ્યા અને લંકાના ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યા છે. વિઝ્યુઅલ્સને વધુ ભવ્ય બનાવવા માટે ઑસ્કર-વિજેતા કંપની VFX પર કામ કરી રહી છે જે ફિલ્મને હૉલીવુડ લેવલનો અનુભવ આપશે. ફિલ્મનું સંગીત પણ ખૂબ જ ખાસ બનવાનું છે, કારણ કે હાન્સ ઝિમર અને એ.આર. રહમાને સાથે મળીને મ્યુઝિક તૈયાર કર્યું છે. ફિલ્મના ઍક્શન માટે હૉલીવુડના ટોચના નિષ્ણાતોને ફિલ્મ સાથે જોડવામાં આવ્યા છે.