10 November, 2026 07:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ભવ્ય રીતે ઊજવી પહેલી દિવાળી
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગયા વર્ષે નવેમ્બરમાં બાંદરાના પાલી હિલ વિસ્તારમાં આવેલા તેમના અઢીસો કરોડના ‘ક્રિષ્ના રાજ’ બંગલોમાં રહેવા ગયાં હતાં અને આ વર્ષે તેમણે અહીં તેમની પહેલી દિવાળી ઊજવી હતી.
દિવાળીના પ્રસંગે રણબીર બંગલાની બાલ્કનીમાંથી ફોટોગ્રાફર્સને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતો જોવા મળ્યો હતો. તેણે ફોટોગ્રાફર્સ તરફ ફ્લાઇંગ કિસ આપી હતી અને હાથ હલાવીને તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે આલિયા ભટ્ટ અને નીતુ કપૂર પણ ફોટોગ્રાફર્સને શુભેચ્છા પાઠવવા તેમની સાથે જોડાયાં હતાં. આ ૬ માળના બંગલામાં નીતુ માટે અલગ માળની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માળ પર તેની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની અને દોહિત્રી સમારા કપૂર માટે પણ ખાસ રૂમ બનાવવામાં આવ્યા છે.
પરિવાર સાથે કર્યું લક્ષ્મીપૂજન
આલિયાએ પતિ રણબીર, દીકરી રાહા અને કપૂર પરિવાર સાથે દિવાળીની ઉજવણીની કેટલીક અંગત અને સુંદર ઝલક ચાહકો સાથે શૅર કરી છે. આ તસવીરોમાં પરિવારની લક્ષ્મીપૂજનની ઉજવણીની ઝલક જોવા મળી હતી. એક તસવીરમાં આલિયા પતિ રણબીર અને સાસુ નીતુ સાથે દિવંગત અભિનેતા રિશી કપૂરના મોટા પૉર્ટ્રેટ સામે પોઝ આપતી જોવા મળી હતી. એક તસવીરમાં રાહાનો ચહેરો હાર્ટ ઇમોજીથી ઢાંકવામાં આવ્યો છે. આ રીતે કપલ પોતાની પુત્રીને મીડિયા અને જાહેર નજરથી દૂર રાખવાના પ્રયાસ કરી રહ્યું છે. આ તસવીરો શૅર કરતાં આલિયાએ કૅપ્શન લખી હતી કે ‘મારા જીવનનો પ્રકાશ. તમને અને તમારા પરિવારને દિવાળીની શુભેચ્છાઓ. આશા છે કે તમારી આસપાસ ખૂબ જ પ્રેમ અને લાગણી હોય.’