30 September, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોમવારે રણબીર કપૂરનો જન્મદિવસ હતો અને આ અવસરે દિવાળીએ રિલીઝ થનારી તેની ફિલ્મ ‘રામાયણ’ના નિર્માતાઓએ એક ખાસ બિહાઇન્ડ ધ સીન એટલે કે BTS વિડિયો શૅર કર્યો છે, જેમાં રણબીર ભગવાન રામના પાત્રમાં જોવા મળી રહ્યો છે. આ વિડિયોમાં દર્શકોને રણબીરની તૈયારી અને તેના ટ્રાન્સફૉર્મેશનની ખાસ ઝલક જોવા મળે છે.
ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારીએ સામે આવેલા BTS વિડિયોમાં વાત કરતાં જણાવ્યું હતું કે ‘રામાયણ’ જેવા મહાકાવ્ય સાથે કરોડો ભક્તોની લાગણીઓ જોડાયેલી છે અને આ જ કારણસર ફિલ્મ માટે યોગ્ય કલાકારોની પસંદગી કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી. વિડિયોમાં ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા રણબીરે પણ પોતાના પાત્ર વિશે વાત કરી છે. રણબીરે વિડિયોમાં કહ્યું હતું કે તેણે આ પ્રોજેક્ટને કોઈ અન્ય ફિલ્મ કે પાત્રની જેમ નથી લીધો, પણ એક પૂજનીય પાત્રને સંપૂર્ણ જવાબદારી અને ન્યાય સાથે ભજવવાના દૃષ્ટિકોણથી જોયો છે.
વિડિયોમાં કલાકારોના લુકમાં કરવામાં આવેલા બદલાવથી લઈને વિવિધ દૃશ્યોનાં શૂટિંગ અને ફિલ્મ માટે કરવામાં આવતી અન્ય તૈયારીઓની પણ ઝલક જોવા મળે છે. આ રીતે BTS વિડિયો દ્વારા દર્શકોને આ મહાકાવ્ય ફિલ્મના નિર્માણની પ્રક્રિયાથી પરિચિત થવાની તક મળી છે.