✕

જો ભી મૈં કહના ચાહૂં, બરબાદ કરે અલ્ફાઝ મેરે : રણબીર કપૂર

23 October, 2026 12:45 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કલકત્તામાં થયેલી પોતાની ભૂલ વિશે વાત કરતાં ચેન્નઈમાં રણબીરે કહ્યું હતું કે ‘હું આ પ્રસંગે ગઈ કાલે બનેલી એક ઘટના બદલ માફી માગવા માગું છું. હું દશેરાના કાર્યક્રમમાં હતો અને ત્યાં બોલતી વખતે મારાથી એક ભૂલ થઈ ગઈ હતી અને મારી જીભ લપસી ગઈ હતી.

રણબીરે ભાષણ બદલ માફી માગી

રણબીર કપૂરે કલકત્તામાં દશેરાના પ્રસંગે આપેલા પોતાના તાજેતરના ભાષણમાં થયેલી ભૂલ બદલ માફી માગી છે. આ ભાષણને કારણે તે સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો હતો. હવે રણબીરે સ્પષ્ટતા કરી છે કે બોલતી વખતે જીભ લપસી જવાને કારણે આવું થયું હતું. બુધવારે ચેન્નઈમાં નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ના મ્યુઝિક અને ઑડિયો લૉન્ચ પ્રસંગે રણબીરે આ ઘટનાનો ઉલ્લેખ કરીને માફી માગી હતી. 

કલકત્તામાં થયેલી પોતાની ભૂલ વિશે વાત કરતાં ચેન્નઈમાં રણબીરે કહ્યું હતું કે ‘હું આ પ્રસંગે ગઈ કાલે બનેલી એક ઘટના બદલ માફી માગવા માગું છું. હું દશેરાના કાર્યક્રમમાં હતો અને ત્યાં બોલતી વખતે મારાથી એક ભૂલ થઈ ગઈ હતી અને મારી જીભ લપસી ગઈ હતી. હું ખરેખર કહેવા માગતો હતો કે ‘આખિર મેં જીત સચ્ચાઈ ઔર અચ્છાઈ કી હી હોગી’ પણ જીભ લપસી જતાં ‘મારાથી આખિર મેં અંત સચ્ચાઈ ઔર અચ્છાઈ કી હી હોગી’ બોલાઈ ગયું હતું. આ ઘટનાથી મને યાદ આવે છે કે ‘જો ભી મૈં કહના ચાહૂં, બરબાદ કરે અલ્ફાઝ મેરે...’ આથી હું આ ભૂલ બદલ ખરેખર માફી માગું છું.’

‘રામાયણ’ને જિયોહૉટસ્ટાર પર જોવા માટે ચૂકવવા પડશે અલગથી પૈસા

‘રામાયણ’ દિવાળીના અવસરે દુનિયાભરનાં થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ પાંચ નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે અને એનું ઍડ્વાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ દરમ્યાન ફિલ્મની OTT રિલીઝને લઈને પણ નવી માહિતી સામે આવી છે. નિર્માતા નમિત મલ્હોત્રાએ આ ફિલ્મ માટે OTT પ્લૅટફૉર્મ જિયોહૉટસ્ટાર સાથે હાથ મિલાવ્યા છે. થિયેટરોમાં ફિલ્મનો પ્રદર્શન સમયગાળો પૂરો થયા બાદ ‘રામાયણ’ને વધુમાં વધુ દર્શકો સુધી પહોંચાડવા માટે જિયોહૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે.

જિયો હૉટસ્ટાર પર ફિલ્મ જોવા માટે દર્શકોએ ખાસ ઑન-ડિમાન્ડ વિકલ્પનો ઉપયોગ કરવો પડશે એટલે કે દર્શકો પે-પર-વ્યુ સુવિધા હેઠળ જિયોહૉટસ્ટાર પર ‘રામાયણ’ જોઈ શકશે. ખાસ વાત એ છે કે જિયોહૉટસ્ટાર પહેલી વાર આ સુવિધા હેઠળ દર્શકોને ફિલ્મ અલગથી ખરીદીને જોવાનો વિકલ્પ આપી રહ્યું છે એટલે કે જો જિયોહૉટસ્ટારનું સબસ્ક્રિપ્શન હશે તો પણ ફિલ્મ જોવા માટે દર્શકોએ અલગથી ચુકવણી કરવી પડશે.

ranbir kapoor kolkata ramayan social media social networking site upcoming movie dussehra bollywood news bollywood gossips bollywood entertainment news nitesh tiwari