18 April, 2026 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવાળી પર રામાયણની ટક્કર થશે બિગ બજેટ હૉલીવુડ ફિલ્મ સાથે
રણબીર કપૂરની ‘રામાયણ’ લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાના ભવ્ય બજેટ સાથે બની રહી છે અને એ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ ગણાઈ રહી છે. આ ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે દિવાળીએ રિલીઝ થશે અને બીજો ભાગ આવતા વર્ષે દિવાળી વખતે આવશે. ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રા એને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરી રહ્યા છે અને એને IMAX ફૉર્મેટમાં બનાવવામાં આવી રહી છે.
જોકે ‘રામાયણ’નો રસ્તો થોડો મુશ્કેલ દેખાઈ રહ્યો છે, કારણ કે આ સમયગાળામાં જ હૉલીવુડની ફિલ્મ ‘ગૉડઝિલા માઇનસ ઝીરો’ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. આમ બન્ને ફિલ્મો એક જ સમયે રિલીઝ થવા જઈ રહી છે, જેના કારણે સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. ‘ગૉડઝિલા માઇનસ ઝીરો’ એ અગાઉ રિલીઝ થયેલી ‘ગૉડઝિલા માઇનસ વન’ની સીક્વલ છે જેને વિશ્વભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આમ ‘ગૉડઝિલા માઇનસ ઝીરો’ની ગ્લોબલ ફૅન-ફૉલોઇંગ ખૂબ મોટી છે જેના કારણે ‘રામાયણ’ની કમાણી પર થોડી અસર પડી શકે છે.