18 January, 2025 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિદ્ધિમા કપૂર સાહની
રિશી અને નીતુ કપૂરની દીકરી તથા રણબીર કપૂરની બહેન રિદ્ધિમા ફિલ્મોમાં આવી હોત તો ટોચની સ્ટાર હોત એવી ચર્ચા હંમેશાં થાય છે. રિદ્ધિમાની ખૂબસૂરતી સામે તો બૉલીવુડની અનેક હિરોઇનો ઝાંખી લાગે અને કૅમેરા સામે પણ તે સહજ છે એ તેણે હમણાં રિયલિટી ટીવી-શો ‘ફૅબ્યુલસ લાઇવ્સ VS બૉલીવુડ વાઇવ્સ’માં ચમકીને દેખાડી દીધું છે.
વર્ષોથી પરણીને દિલ્હીમાં ઠરીઠામ થયેલી રિદ્ધિમા કપૂર સાહનીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં રસપ્રદ વાતો કરી છે. રણબીર કપૂર કેટલો સારો ઍક્ટર છે એ આપણે જાણીએ છીએ, પણ રિદ્ધિમા આ ઇન્ટરવ્યુમાં કહે છે કે નાનપણમાં રણબીર નહીં પણ તે આખો દિવસ નૌટંકી કરતી રહેતી હતી. રિદ્ધિમા કહે છે, ‘નાનપણમાં હું ઘરમાં પર્ફોર્મ કરતી રહેતી હતી. હું ફૅમિલી સામે દુપટ્ટા સાથે ડાન્સ કરતી. પપ્પાની ફિલ્મોનાં ગીતો પર તથા શ્રીદેવીની ફિલ્મોનાં ગીતો પર હું પર્ફોર્મ કરતી. દૂરદર્શન પર ‘બાતમ્યા’માં જે રીતે સમાચાર વાંચવામાં આવતા એ રીતે ન્યુઝરીડર બનીને હું સમાચાર વાંચતી. જોકે હું મોટી થઈ એ પછી બધું બદલાઈ ગયું. અમે જ્યારે કૉલેજમાં હતાં ત્યારે રણબીરે કહ્યું કે તેને ઍક્ટર બનવું છે અને આ સાંભળીને અમને બધાને આશ્ચર્ય થયું હતું. કૉલેજમાં આવ્યા પછી રણબીર ખૂલતો ગયો અને હું બદલાતી ગઈ. ત્યાર પછી હું ભણવા માટે વિદેશ ગઈ. લંડનમાં હું મારા ભાવિ પતિ (ભરત સાહની)ને મળી અને પછી અમે પરણી ગયાં.’
નાનપણમાં હું અને રણબીર ખૂબ ઝઘડતાં : રિદ્ધિમા કપૂર સાહની
રિદ્ધિમા આજે ૪૪ વર્ષની છે અને રણબીર ૪૨ વર્ષનો છે. બાળપણના દિવસો યાદ કરતાં રિદ્ધિમા કહે છે, ‘અમે ખૂબ લડતાં-ઝઘડતાં. જે ઘડીએ મમ્મી-પપ્પા ઘરેથી નીકળે એ ક્ષણથી અમારી કુસ્તી શરૂ થઈ જતી. રણબીર મારી સાથે એ રીતે લડતો જાણે હું તેનો માટો ભાઈ હોઉં. વર્ષો વીતતાં ગયાં એમ બધું બદલાતું ગયું. રણબીર ઋજુ હૃદયનો અને ખરેખર સારો માણસ છે. તમે તેની સાથે તમારી અંગત વાતો કરી શકો, તમારા પ્રૉબ્લેમ્સની ચર્ચા કરી શકો. તે સારો શ્રોતા છે.’
પહેલાં માત્ર કૅમેરા સામે ખૂલતો રણબીર હવે રાહાને જોઈને પણ ખીલી ઊઠે છે
પોતાનાથી બે વર્ષ નાના ભાઈ રણબીર વિશે રિદ્ધિમાએ ઇન્ટવ્યુમાં સરસ વાત કરી છે. રિદ્ધિમા કહે છે, ‘રાહાને જોઈને રણબીરની આંખોમાં ચમક આવી જાય છે. તે પપ્પા જેવો કે મારા જેવો એક્સપ્રેસિવ નથી, પણ જ્યારે તે કૅમેરા સામે હોય છે ત્યારે કેવો હોય છે એ આપણે બધા જાણીએ છીએ. હવે તે રાહા સામે એવો એક્સપ્રેસિવ હોય છે. અન્યથા તે બહુ મળતાવડો નથી.’