25 July, 2026 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુરુવારે અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યના સૅન ડીએગો કૉમિક-કૉનમાં રામાયણની ઇવેન્ટમાં તિરંગા બ્રોચ સાથે રણબીર કપૂર અને ત્રિશૂલ સાથે યશ.
‘રામાયણ’ની ટીમે હાલમાં અમેરિકાના સૅન ડીએગો કૉમિક-કૉનમાં યોજાયેલી ભવ્ય ઇવેન્ટમાં હાજરી આપી હતી. ફિલ્મના મુખ્ય કલાકારો રણબીર કપૂર અને યશે અહીં ભારતની આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે નિર્માતાઓએ ભારતીય મહાકાવ્ય ‘રામાયણ’ને વૈશ્વિક દર્શકો સમક્ષ રજૂ કર્યું, જ્યારે બન્ને કલાકારોએ પોતાના પહેરવેશ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઝલક પણ રજૂ કરી.
આ ફંક્શનમાં રણબીરે નેવી બ્લુ રંગનો કુર્તો, સફેદ ટ્રાઉઝર અને એના પર ક્લાસિક નેહરુ જૅકેટ પહેર્યું હતું, જેનાથી તેના લુકને શાનદાર ભારતીય સ્પર્શ મળ્યો હતો. તેણે બ્લૅક સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તેના આ સમગ્ર લુકમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર વસ્તુ નેહરુ જૅકેટ પર
લગાવેલું તિરંગાથી પ્રેરિત બ્રોચ હતું. ઘેરા રંગના જૅકેટ પર લગાવાયેલું આ ત્રિરંગી બ્રોચ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને વિશ્વમંચ પર ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરતી વખતે દેશપ્રેમનું પ્રતીક પણ બન્યું હતું.
ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવી રહેલા યશે ઑલ બ્લૅક લુક પસંદ કર્યો હતો. તેણે બ્લૅક શર્ટ, ટ્રાઉઝર અને એના પર બ્લૅક બ્લેઝર પહેર્યું હતું. તેના લુકને ત્રિશૂલ આકારના બ્રોચે ખાસ બનાવી દીધો હતો અને તેના પહેરવેશમાં પૌરાણિક સ્પર્શ ઉમેર્યો હતો.
સૅન ડીએગો કૉમિક-કૉન પહેલાં દિલ્હીમાં યોજાયેલા ટ્રેલર-લૉન્ચ કાર્યક્રમમાં પણ રણબીરે પોતાના લુક સાથે ધનુષ આકારનું બ્રોચ પહેર્યું હતું જે ભગવાન શ્રીરામને આપેલી શ્રદ્ધાંજલિ સમાન માનવામાં આવ્યું હતું. હવે કૉમિક-કૉનમાં તિરંગાના બ્રોચ સાથે તેણે ફરી એક વાર ભારતીય ઓળખ અને સંસ્કૃતિને ગ્લોબલ મંચ પર હાઇલાઇટ કરી હતી.
રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ‘રામાયણ’ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાં સામેલ છે. થોડા દિવસ પહેલાં ભારતમાં ફિલ્મની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ યોજાઈ હતી. આ પછી અમેરિકાના સૅન ડીએગો કૉમિક-કૉનમાં પણ ટ્રેલર રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી ગઈ કાલે એને સત્તાવાર રીતે ઑનલાઇન રિલીઝ કરવાનું આયોજન હતું, પણ હવે અંતિમ ક્ષણે ટ્રેલરનું વૈશ્વિક લૉન્ચ મોકૂફ રાખવામાં આવ્યું. ‘રામાયણ’નું ટ્રેલર-લૉન્ચ અચાનક મોકૂફ રાખવામાં આવ્યા બાદ એવી ચર્ચા શરૂ થઈ કે કદાચ પેપર-લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હશે. જોકે એક અટકળ એવી પણ છે કે ‘રામાયણ’નું ટ્રેલર હૉલીવુડની ફિલ્મ ‘સ્પાઇડર મૅન : બ્રૅન્ડ ન્યુ ડે’ સાથે વૈશ્વિક સ્તરે સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી શકે છે.