03 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાર્ટીમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર રણબીર કપૂર પોતાના ભાઈ લક્ષ્મણ એટલે કે રવિ દુબેને ગળે લગાડતો જોવા મળ્યો હતો
ફિલ્મમેકર નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને સોમવારે રાતે ફિલ્મના ક્રૂ અને કલાકારો સાથે ડિરેક્ટરે એક રૅપ-અપ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં હાજર થયેલા કલાકારો ભાવુક થઈ ગયા હતા. આ પાર્ટીમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર રણબીર કપૂર અને લક્ષ્મણની ભૂમિકા નિભાવનાર રવિ દુબે ઉપરાંત અનેક કલાકારો અને ક્રૂ સાથે નિર્દેશક નીતેશ તિવારી હાજર હતા. આ પાર્ટીમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર રણબીર કપૂર પોતાના ભાઈ લક્ષ્મણ એટલે કે રવિ દુબેને ગળે લગાડતો જોવા મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે ત્રીજી જુલાઈએ સવારે ૧૧ વાગ્યે ‘રામાયણ’ની પ્રથમ ઝલક દુનિયાભરને સત્તાવાર રીતે બતાવવામાં આવશે.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયો અને તસવીરમાં ફિલ્મના સેટ પર રૅપ-અપ પાર્ટીમાં રણબીર કેક ખવડાવતો જોવા મળે છે. આ પાર્ટીમાં હાજરી આપ્યા પછી રણબીર પરિવાર સાથે રજા ગાળવા ઊપડી ગયો હતો. રણબીર મંગળવારે વહેલી સવારે પત્ની આલિયા ભટ્ટ, માતા નીતુ કપૂર અને દીકરી રાહા સાથે ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. રણબીર પોતાના નેક્સ્ટ પ્રોજેક્ટ પર કામ શરૂ કરતાં પહેલાં પોતાના પરિવાર સાથે શાંતિની પળો વિતાવવા માગે છે.