30 August, 2026 01:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦૫ કરોડ રૂપિયામાં થશે રામાયણના તેલુગુ રાજ્યોના રાઇટ્સની ડીલ?
રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશને લીડ રોલમાં ચમકાવતી નિતેશ તિવારીની ‘રામાયણ’ ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ચર્ચામાં છે. ફિલ્મ ભારતમાં ૮ નવેમ્બરે અને ગ્લોબલ માર્કેટમાં ૬ નવેમ્બરે રિલીઝ થવાની છે. હવે ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ અને મ્યુઝિક રાઇટ્સને લઈને થઈ રહેલી કરોડો રૂપિયાની ડીલના રિપોર્ટ મળ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ફિલ્મના માર્કેટિંગ અને ઇન્ટરનૅશનલ ડિસ્ટ્રિબ્યુશન માટે મેકર્સે સોની સાથે ૪૦ મિલ્યન ડૉલર એટલે કે ૩૩૫ કરોડ રૂપિયા જેટલી મોટી ડીલ કરી છે. હવે તેલુગુ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી પણ ફિલ્મને લઈને ઘણો રસ જોવા મળી રહ્યો છે. ચર્ચા છે કે ડિસ્ટ્રિબ્યુટર દિલ રાજુ આશરે ૧૦૫ કરોડ રૂપિયામાં ‘રામાયણ’ના તેલુગુ રાજ્યોના રાઇટ્સ ખરીદવા માટે વાતચીત કરી રહ્યા છે.
‘રામાયણ’ના મ્યુઝિક અને ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સને લઈને પહેલેથી જ કરોડો રૂપિયાની મોટી ડીલ થઈ ચૂકી છે. ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ ૭૫ કરોડ રૂપિયામાં વેચાયા છે, જ્યારે ધર્મા પ્રોડક્શન્સે ફિલ્મના ડોમેસ્ટિક રાઇટ્સ ૨૫૦ કરોડ રૂપિયાથી માંડીને ૩૫૦ કરોડ રૂપિયાની વચ્ચેની મોટી ડીલમાં હાંસલ કર્યા છે.