17 April, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણદીપ હૂડા અને આમિર ખાન
રણદીપ હૂડાએ તેની કરીઅરના એક તબક્કે પોતાના ઈગોને કારણે આમિર ખાનની સુપરહિટ ‘રંગ દે બસંતી’માં કામ કરવાની ના પાડી દીધી હતી. રણદીપને આ ફિલ્મમાં એક મહત્ત્વનો રોલ મળ્યો હતો, પણ વિચિત્ર કારણને લીધે તેણે એ રોલ કરવાની ના પાડી દીધી હતી. રણદીપને આ ફિલ્મમાં કામ ન કરી શક્યાનો અફસોસ આજે પણ છે.
હાલમાં રણદીપની ફિલ્મ ‘જાટ’ રિલીઝ થઈ છે જેમાં તે વિલનના રોલમાં જોવા મળી રહ્યો છે અને ફિલ્મમાં રણદીપની ઍક્ટિંગનાં વખાણ થઈ રહ્યાં છે. રણદીપે તેની કરીઅરમાં ‘સુલતાન’, ‘મર્ડર 2’, ‘સરબજિત’ અને ‘હાઇવે’ જેવી દમદાર ફિલ્મો કરી છે, પણ ઘણી બધી સારી ફિલ્મોમાં કામ કરવાની તક તેણે ગુમાવી છે.
હાલમાં રણદીપે એક ઇન્ટરવ્યુમાં ‘રંગ દે બસંતી’ના ઇનકાર પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘જ્યારે રાકેશ ઓમપ્રકાશ મહેરા ‘રંગ દે બસંતી’ બનાવી રહ્યા હતા ત્યારે મારી પસંદગી ભગત સિંહના રોલ માટે થઈ હતી. એ દરમ્યાન મારી મુલાકાત રામગોપાલ વર્મા સાથે થઈ હતી. તેમણે મને કહ્યું કે તું પોસ્ટરમાં આમિર ખાનની પાછળ ઊભો રહેવા માગે છે, જ્યારે હું તને લઈને ‘ડી’ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. આ વાત મારી જાટ બુદ્ધિમાં સેટ થઈ ગઈ અને મેં ‘રંગ દે બસંતી’માં કામ કરવાની ના પાડી દીધી. મેં કહ્યું કે હું આમિર ખાનની પાછળ ઊભો નહીં રહી શકું. મને રાકેશે ઘણું કહ્યું હતું પણ હું માન્યો નહોતો. આખરે આ રોલ સિદ્ધાર્થને મળ્યો. જો મેં ‘રંગ દે બસંતી’માં કામ કરવાની ના ન પાડી હોત તો હું આજે અલગ જ લીગનો ભાગ હોત. મને એ વાતનો અફસોસ હંમેશાં રહેશે.’