31 January, 2026 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પતિએ પત્ની પર નહીં પણ પત્નીએ પતિ પર બરાડા પાડવા જોઈએ
રાની મુખરજી હાલમાં તેની ફિલ્મ ‘મર્દાની 3’ને લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મના પ્રમોશન માટે આપેલા એક ઇન્ટરવ્યુમાં રાનીનું નિવેદન વાઇરલ થઈ રહ્યું છે. રાનીએ આ વિડિયોમાં પતિ-પત્નીના સંબંધોને લઈને વાત કરી છે. આ વાતચીતમાં રાનીની એક કમેન્ટને કારણે તેને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે.
આ ઇન્ટરવ્યુ દરમ્યાન રાનીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે સન્માનની શરૂઆત ઘરથી થાય છે. જ્યારે કોઈ છોકરો પોતાની મમ્મી સાથે ખરાબ વર્તન થતું જુએ છે ત્યારે તેને એવું લાગવા માંડે છે કે જો મારી મમ્મી સાથે આવું થઈ શકે છે તો દરેક છોકરી સાથે આવું વર્તન કરી શકાય.’
રાનીએ વાત-વાતમાં આગળ કહ્યું હતું કે ‘મને લાગે છે કે પિતાની જવાબદારી હોય છે કે તેઓ પોતાની પત્નીને કેવી રીતે ટ્રીટ કરે છે, કારણ કે છોકરાઓ એ જ જોઈને મોટા થાય છે. જો તેમની મમ્મીને સારો વ્યવહાર અને સન્માન મળશે તો છોકરાઓ સમજી શકશે કે છોકરીઓનું સન્માન કરવું જોઈએ અને સમાજમાં તેમનું એક સ્થાન છે. આ બધું ઘરથી જ શરૂ થાય છે. પિતાએ માતા પર બૂમો પાડવા જેવી બાબતને ઘરમાં સ્થાન ન મળવું જોઈએ પણ માતાએ પિતા પર બૂમો પાડવી જોઈએ.’
જોકે ઘણા લોકોને રાનીની આ કમેન્ટ નથી ગમી અને તેઓ કહી રહ્યા છે કે સંબંધોમાં બન્ને તરફ સન્માન હોવું જોઈએ અને પતિ-પત્ની બન્નેએ શાંતિપૂર્વક વાત કરીને મુદ્દા ઉકેલવા જોઈએ.