13 January, 2026 07:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાની મુખરજી
રાની મુખરજીની પહેલી ફિલ્મ ‘રાજા કી આએગી બારાત’ ૧૯૯૬માં રિલીઝ થઈ હતી. રાનીને હિન્દી સિનેમામાં કામ કરતાં-કરતાં ત્રણ દાયકા જેટલો સમય થઈ ગયો છે અને હાલમાં તેણે આ સમયગાળાને યાદ કરીને યશરાજ ફિલ્મ્સના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક ઇમોશનલ લેટર લખ્યો છે.
રાનીએ પોતાના લેટરમાં લખ્યું છે, ‘ત્રીસ વર્ષ! જ્યારે હું આ વાત મોટા અવાજે કહું છું ત્યારે પણ એ સાચી લાગતી નથી, પરંતુ આ વાત મને એ શીખવે છે કે જો તમે દિલથી એવું કામ કરો જેને તમે પ્રેમ કરો છો તો સમય પાંખો લગાવીને ઊડી જાય છે. તમે વધુ ને વધુ કામ કરવા ઇચ્છો છો. ૩૦ વર્ષ પહેલાં હું કોઈ ગ્રૅન્ડ પ્લાન વિના એક ફિલ્મના સેટ પર પહોંચી હતી. એક યુવાન છોકરી લગભગ સંયોગવશ સિનેમાની દુનિયામાં આવી હતી, પરંતુ મને આ કામ સાથે પ્રેમ થઈ ગયો.’
રાનીએ પોતાની પોસ્ટમાં પહેલી ફિલ્મ ‘રાજા કી આએગી બારાત’થી લઈને ‘સાથિયા’, ‘બન્ટી ઔર બબલી’, ‘હમતુમ’, ‘નો વન કિલ્ડ જેસિકા’ અને ‘બ્લૅક’ જેવી ફિલ્મોનો ઉલ્લેખ કર્યો હતો અને આ ફિલ્મો સાથે જોડાયેલા પોતાના અનુભવો પણ શૅર કર્યા હતા. ત્યાર બાદ તેણે પોતાની ફિલ્મ ‘મર્દાની’ની વાત કરી હતી. પોતાની પોસ્ટમાં રાનીએ લખ્યું છે, ‘મર્દાની’ મારા દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. શિવાની શિવાજી રૉયના પાત્રમાં કોઈ ઊંચા અવાજવાળું હીરોઇઝમ નથી. આ ફિલ્મ દ્વારા મને સમજાયું કે આવી વાર્તાઓ કહેવી કેટલી જરૂરી છે. આવી વાર્તાઓ લોકોને અસ્વસ્થ કરે છે, પરંતુ સાથે-સાથે આશા પણ જગાવે છે.’
રાનીએ પોસ્ટમાં પોતાનાં લગ્ન અને માતૃત્વ વિશે વાત કરીને સમજાવ્યું કે આ બાબતોએ તેને પોતાના કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં કેવી રીતે મદદ કરી છે. રાનીએ પોતાની પોસ્ટના અંતમાં કહ્યું કે છે કે તે હંમેશાં સિનેમાની એક વિદ્યાર્થી બનીને જ રહેવા માગે છે.
શિવાની શિવાજી રૉય લાપતા થયેલી બાળકીઓને બચાવવાના મિશન પર
ગઈ કાલે રાની મુખરજીની ૩૦ જાન્યુઆરીએ આવનારી ફિલ્મ ‘મર્દાની 3’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલરમાં રાની મુખરજીની એન્ટ્રી શિવાની શિવાજી રૉય તરીકે થાય છે. આ વખતે શિવાનીને એક નવો કેસ સૉલ્વ કરવાની જવાબદારી આપવામાં આવે છે. તે લાપતા થયેલી બાળકીઓને બચાવવાના અને શોધવાના મિશન પર છે. આ ફિલ્મમાં પણ મહિલાઓ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાઓને પ્રખર રીતે રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મ ‘શૈતાન’ની ઍક્ટ્રેસ જાનકી બોડીવાલા પણ આ ફિલ્મમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં વિલન તરીકે મલ્લિકા પ્રસાદ જોવા મળે છે જે બાળકીઓે ગાયબ કરતી ગૅન્ગ ચલાવે છે. ટ્રેલરમાં તેનો અંદાજ અત્યંત ભયાનક છે.
કોણ છે મર્દાની 3માં રાની મુખરજીને જોરદાર ટક્કર આપનાર મલ્લિકા પ્રસાદ?
ગઈ કાલે રાની મુખરજીને લીડ રોલમાં ચમકાવતી ‘મર્દાની 3’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં પોલીસ-ઑફિસર શિવાની શિવાજી રૉયને ટક્કર આપતી વિલનના રોલમાં મલ્લિકા પ્રસાદ જોવા મળે છે. ફિલ્મમાં તે નિર્દય અને ખતરનાક ‘અમ્મા’નું પાત્ર ભજવે છે.
મજબૂત થિયેટર બૅકગ્રાઉન્ડ ધરાવતી મલ્લિકા પ્રસાદ કોઈ નવી અભિનેત્રી નથી. મૂળ બૅન્ગલોરની મલ્લિકાએ લંડનની ગોલ્ડસ્મિથ્સ યુનિવર્સિટીમાંથી પર્ફોર્મન્સ મેકિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે અને નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી ઍક્ટિંગમાં પોસ્ટગ્રૅજ્યુએટ ડિપ્લોમા કર્યો છે. કન્નડા ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મલ્લિકા પ્રસાદની ગણતરી દમદાર ઍક્ટ્રેસ તરીકે થાય છે.