15 August, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી દ્વારા રાની મુખરજી માનદ ડૉક્ટરેટથી સન્માનિત
રાની મુખરજીને ઑસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઑફ લેટર્સની માનદ પદવીથી નવાજવામાં આવી છે. ભારતીય સિનેમામાં ૩ દાયકાના તેના ઉત્કૃષ્ટ યોગદાન અને સમાજોપયોગી કાર્યો માટે તેને આ વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. સ્ટેજ પર આ ગૌરવપૂર્ણ ઉપાધિ સ્વીકારતી વખતે રાની મુખરજી અત્યંત લાગણીવશ થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં સુપરસ્ટાર શાહરુખ ખાનને આ યુનિવર્સિટી દ્વારા આ જ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ સન્માન મેળવનાર રાની મુખરજી બીજી ભારતીય ફિલ્મી હસ્તી બની છે.
આ યાદગાર ક્ષણ વિશે પોતાનો આનંદ વ્યક્ત કરતાં રાની મુખરજીએ કહ્યું હતું કે ‘લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી માનદ ડૉક્ટરેટ મેળવવી એ મારા જીવનની સૌથી વિનમ્ર ક્ષણોમાંની એક છે. મારું હંમેશાં માનવું રહ્યું છે કે ફિલ્મો વિચારો બદલે એ પહેલાં હૃદય પર અસર કરે છે. મેં હંમેશાં એવી ફિલ્મો પસંદ કરી છે જે પ્રેરણાદાયી અને સશક્તીકરણ આપનારી હોય. સિનેમાના માધ્યમથી મેં ભારતીય નારીની શક્તિશાળી છબિને રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. દરેક કલાકાર પર અભિનયથી પર થઈને પોતાની સંસ્કૃતિના સાચા બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બનવાની એક મોટી જવાબદારી હોય છે.’
આ ઉપરાંત ઑસ્ટ્રેલિયામાં યોજાયેલા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન (IFFM) દ્વારા પણ રાની મુખરજીને તેના શ્રેષ્ઠ અભિનય માટે વિશેષ પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. ‘બ્લૅક’, ‘હમ તુમ’, ‘યુવા’, ‘મર્દાની’ અને ‘હિચકી’ જેવી યાદગાર ફિલ્મો આપનારી રાનીને તાજેતરમાં જ તેની ફિલ્મ ‘મિસિસ ચૅટરજી v/s નૉર્વે’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.