કદાચ મારી કરીઅરમાં બ્લૅક જેવી જાદુઈ ક્ષણ ફરી ક્યારેય ન સર્જાય

30 March, 2026 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાની મુખરજી કહે છે કે આ ફિલ્મમાં કામ કરવાના અનુભવે મને કલાકાર અને વ્યક્તિ તરીકે ઘણું શીખવ્યું

૨૦૦૫માં આવેલી આ ફિલ્મને રાની પોતાની કરીઅરની સૌથી ખાસ ફિલ્મોમાં ગણે છે

રાની મુખરજીએ હાલમાં પોતાની લોકપ્રિય ફિલ્મ ‘બ્લૅક’ વિશે અનેક રસપ્રદ વાતો શૅર કરી છે. ૨૦૦૫માં આવેલી આ ફિલ્મને રાની પોતાની કરીઅરની સૌથી ખાસ ફિલ્મોમાં ગણે છે. તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવાના અનુભવે તેને કલાકાર અને વ્યક્તિ તરીકે ઘણું શીખવ્યું.

‘બ્લૅક’નું ડિરેક્શન સંજય લીલા ભણસાલીએ કર્યું હતું અને તેમની સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં રાનીએ કહ્યું હતું કે ‘મને સંજય લીલા ભણસાલી અને તેમના વિઝન પર સંપૂર્ણ વિશ્વાસ હતો, જેના થકી હું આ મુશ્કેલ પાત્ર સારી રીતે નિભાવી શકી. મને જ્યારે ફિલ્મની ઑફર મળી ત્યારે મને વિશ્વાસ નહોતો કે આ રોલ માટે મારી પસંદગી થઈ છે. મને લાગતું હતું કે હું આ પાત્રને ન્યાય નહીં આપી શકું, કારણ કે એ ખૂબ જ પડકારજનક હતું. જોકે એક ડિરેક્ટરનો વિશ્વાસ કલાકાર માટે મોટી શક્તિ બની જાય છે.’

‘બ્લૅક’માં કામ કરવાના અનુભવ વિશે રાની કહે છે, ‘કદાચ મારી કરીઅરમાં ‘બ્લૅક’ જેવી જાદુઈ ક્ષણ ફરી ક્યારેય ન સર્જાય. આ ફિલ્મ મારી કરીઅર માટે મહત્ત્વપૂર્ણ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મે મને જીવન વિશે નવો દૃષ્ટિકોણ આપ્યો છે. સંજય લીલા ભણસાલી માત્ર નિર્દેશક નથી, એવા ફિલ્મમેકર છે જેમનું સિનેમા બૉક્સ-ઑફિસથી પણ ઘણું આગળ છે. તેમની ફિલ્મોમાં ભાવનાઓ અને ઊંડાણ સ્પષ્ટ રીતે જોવા મળે છે. તેમના કામની સરખામણી ઘણી વાર દિગ્ગજ ફિલ્મમેકર ગુરુ દત્ત અને રાજ કપૂર સાથે કરવામાં આવે છે.’

રાની મુખરજી હવે સીધી જોવા મળશે કિંગમાં?

થોડા સમય પહેલાં ચર્ચા હતી કે રાની મુખરજી હવે અક્ષય કુમાર સાથે ‘ઓહ માય ગૉડ’ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘ઓહ માય ગૉડેસ’માં એક દેવી તરીકે લીડ રોલમાં જોવા મળશે. જોકે વાત કંઈ જામી નહીં એટલે રાની એ ફિલ્મમાંથી નીકળી ગઈ છે. રાની પાસે અત્યારે શાહરુખ ખાનની ‘કિંગ’ છે જેમાં તે સુહાના ખાનની મમ્મીની ભૂમિકામાં જોવા મળશે.

rani mukerji amitabh bachchan upcoming movie king Shah Rukh Khan entertainment news bollywood bollywood news