કાંતારા : ચૅપ્ટર 1નાં દેવીમાતાને રણવીર સિંહે ફીમેલ ભૂત ગણાવીને નોતર્યો વિવાદ

01 December, 2025 12:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કાંતારા’ કર્ણાટકના તુલુ સમાજનાં દેવી-દેવતાઓ પર આધારિત વાર્તા છે જેમના પર ત્યાંના લોકોને ત્યાં ખૂબ આસ્થા છે

ગોવામાં યોજાયેલા ૫૬મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) ખાતે રિષબ શેટ્ટીને ભેટી રહેલો રણવીર સિંહ

ઋષભ શેટ્ટીને લીડ રોલમાં ચમકાવતી ‘કાંતારા : ચૅપ્ટર 1’ આ વર્ષની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં રિષબની ઍક્ટિંગથી ઘણા લોકો પ્રભાવિત થયા છે જેમાંથી એક રણવીર સિંહ છે. તાજેતરમાં ગોવામાં યોજાયેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના એક સેશનમાં રણવીરે જાહેરમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો, પણ વાતવાતમાં તેણે ‘કાંતારા : ચૅપ્ટર 1’નાં દેવીમાતાને ‘ફીમેલ ભૂત’ ગણાવતાં મોટો વિવાદ થયો છે.

‘કાંતારા’ કર્ણાટકના તુલુ સમાજનાં દેવી-દેવતાઓ પર આધારિત વાર્તા છે જેમના પર ત્યાંના લોકોને ત્યાં ખૂબ આસ્થા છે. કર્ણાટકનાં ગામોમાં દેવોત્સવો ખૂબ ધૂમધામથી ઊજવાય છે. જોકે ઇવેન્ટ દરમ્યાન ફિલ્મના એક સીન વિશે બોલતાં રણવીરે તુલુ સમાજનાં દેવીને ‘ભૂત’ કહી દીધાં હતાં. આ ફંક્શનમાં રણવીરે ‘કાંતારા : ચૅપ્ટર 1’ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં આ ફિલ્મ થિયેટરમાં જોઈ અને રિષબ તમારો અભિનય અદ્ભુત છે. ખાસ કરીને જ્યારે ‘ફીમેલ ઘોસ્ટ’ તમારી અંદર આવી જાય છે...’ આટલું કહીને રણવીરે એ સીનની નકલ પણ કરી, જેમાં રિષબની અંદર ચામુંડામાતાનો પ્રવેશ દેખાડવામાં આવ્યો છે. રણવીરનો આ વિડિયો બહાર આવતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને ફૅન્સ આને ભગવાનનું અપમાન ગણાવીને રણવીરને ટાર્ગેટ કરી રહ્યા છે.

ranveer singh iffi goa goa entertainment news bollywood bollywood news