રણવીર સિંહ ભગવાન શિવ બનશે કે નહીં એ મામલે ગજબનું કન્ફ્યુઝન

13 May, 2026 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટરે ‘ધ ઇમૉર્ટલ્સ ઑફ મેલુહા’ના રાઇટ્સ મેળવી લીધા હોવાની ચર્ચા, પણ પુસ્તકના લેખક કહે છે કે આ વાત સાવ ખોટી છે

રણવીર સિંહની ફાઇલ તસવીર

રણવીર સિંહ હાલમાં પોતાની કરીઅરના સૌથી સફળ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની સફળતા પછી હવે રણવીર મોટા પડદા પર ભગવાન શિવના પાત્રમાં જોવા મળશે એવા રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે રણવીરે બહુ મોટી રકમ ચૂકવીને પોતાના પ્રોડક્શન-બૅનર ‘માં કસમ ફિલ્મ્સ’ની આગામી ફિલ્મ માટે લેખક અમિષ ત્રિપાઠી દ્વારા લખાયેલા પુસ્તક ‘ધ ઇમૉર્ટલ્સ ઑફ મેલુહા’ના રાઇટ્સ મેળવી લીધા છે અને ત્રણ ભાગમાં બનનારો આ પ્રોજેક્ટ હાલમાં લેખનના તબક્કામાં છે. આ પ્રોજેક્ટ માટે રણવીર સિંહ તથા અનન્યા બિરલાએ ભાગીદારી કરી હોવાના રિપોર્ટ છે.

મળતી માહિતી પ્રમાણે ફિલ્મના પહેલા ભાગનું શૂટિંગ ૨૦૨૮ સુધીમાં શરૂ થઈ શકે છે અને આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં રણવીર ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અન્ય કલાકારોનાં નામ હજી સુધી નક્કી થયાં નથી.

જોકે ‘ધ ઇમૉર્ટલ્સ ઑફ મેલુહા’ના લેખક અમિષ ત્રિપાઠીએ આ તમામ રિપોર્ટને ખોટા ગણાવીને સ્પષ્ટ કહ્યું છે કે પુસ્તકના રાઇટ્સ વિશે મારો કોઈ સાથે કોઈ કરાર થયો નથી. પોતાની વાત રજૂ કરતાં અમિષે કહ્યું હતું કે ‘શિવા ટ્રિયોલૉજીના અધિકાર હજી પણ મારી પાસે જ છે અને અત્યાર સુધી આ સંદર્ભે કોઈ સાથે કરાર થયો નથી. હું રણવીરનો મોટો પ્રશંસક છું એમાં કોઈ શંકા નથી, પણ આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.’

ranveer singh upcoming movie entertainment news bollywood bollywood news