સિંગરે માફી માગી અને કહ્યું કે આ ગીતને વિવિધ ઑનલાઇન પ્લૅટફૉર્મ પરથી હટાવવામાં આવી રહ્યું છે
બાદશાહ
રૅપર અને સિંગર બાદશાહ તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘ટટીરી’ને લઈને વિવાદોમાં ઘેરાયો છે. આ ગીતમાં અશ્લીલ કન્ટેન્ટ જોવા મળ્યા બાદ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યાં છે. માહિતી મુજબ હરિયાણાના પંચકૂલામાં પોલીસે આ મામલે પોલીસ-ફરિયાદ નોંધી છે અને આ સાથે જ સિંગર સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે જેથી તે દેશ છોડીને બહાર ન જઈ શકે. પોલીસ-તપાસમાં જણાવાયું છે કે ગીતના વિડિયોમાં સગીર છોકરીઓને બસમાં અયોગ્ય નાચતી અને અયોગ્ય રીતે સંકેતો કરતી દેખાડવામાં આવી છે. વિડિયોમાં સ્કૂલ-યુનિફૉર્મ પહેરેલી છોકરીઓ બૅગ ફેંકતી અને અભ્યાસથી દૂર ભાગતી દેખાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ રીતે સ્કૂલ અને શિક્ષણના માહોલને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. પોલીસ-ફરિયાદમાં ઉલ્લેખ છે કે વિડિયોમાં મહિલાઓ અને છોકરીઓ વિશે અયોગ્ય શબ્દોનો ઉપયોગ થયો છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે વિડિયોમાં હરિયાણા રોડવેઝની બસ પણ દર્શાવવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ બસનો ઉપયોગ કરતાં પહેલાં સંબંધિત વિભાગની પરવાનગી લેવામાં આવી હતી કે નહીં. જો પરવાનગી વગર એનો ઉપયોગ થયો હશે તો સંબંધિત લોકો સામે કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત વિડિયોમાં એક સરકારી શાળાનું કૅમ્પસ પણ બતાવવામાં આવ્યું છે. જો એની શૂટિંગ માટે પરવાનગી લેવામાં આવી નહીં હોય તો એ મામલે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
બાદશાહે માગી માફી
રૅપર અને સિંગર બાદશાહ તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘ટટીરી’ના કારણે વિવાદ સર્જાતા પોતાના સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરીને માફી માગી છે. બાદશાહે પોતાની પોસ્ટમાં કૅપ્શન લખી છે કે આ ગીતને વિવિધ પ્લૅટફૉર્મ પરથી હટાવવામાં આવી રહ્યું છે. પોતાની પોસ્ટમાં બાદશાહે કહ્યું કે ‘આ ગીતનાં લિરિક્સ અને વિઝ્યુઅલ્સને કારણે ઘણા લોકો, ખાસ કરીને હરિયાણવી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. હું પોતે હરિયાણાનો છું અને મને મારી ભાષા, ખોરાક, જીવનશૈલી અને ઓળખ પર ગર્વ છે. હરિયાણાની કોઈ મહિલા અથવા બાળક વિશે અપમાનજનક વાત કરવાનો મારો ક્યારેય ઇરાદો નહોતો. હિપ-હૉપ સંગીતમાં ઘણી વાર ગીતોમાં અલગ ભાષા હોય છે, પરંતુ એ ક્યારેય મહિલાઓ અથવા બાળકોને નિશાન બનાવવા માટે નથી. જો મારા ગીતથી કોઈને પણ દુઃખ પહોંચ્યું હોય તો હું દિલથી માફી માગું છું. મને હરિયાણાનો દીકરો સમજીને મારી ભૂલ માફ કરી દો.’