પાકિસ્તાની કંપનીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તૈયાર થવાને કારણે બાદશાહ વિવાદમાં

16 August, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝે તેને કાગળ લખીને આ મામલે જવાબ માગ્યો છે

રૅપર અને સિન્ગર બાદશાહ

હાલમાં રૅપર અને સિન્ગર બાદશાહ એક પાકિસ્તાની કંપનીને કારણે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)ના નિશાના પર છે. ફેડરેશને બાદશાહના અમેરિકાના ડૅલસસ્થિત કર્ટિસ કલવેલ સેન્ટરમાં આયોજિત આગામી મ્યુઝિકલ ટૂર મામલે તેને એક  પત્ર લખ્યો છે અને તાત્કાલિક જવાબ પણ માગ્યો છે. મળતી માહિતી પ્રમાણે બાદશાહ ૧૯ સપ્ટેમ્બરે અમેરિકાના ડૅલસમાં ‘બાદશાહ અનફિનિશ્ડ ટૂર’માં પર્ફોર્મ કરવા જઈ રહ્યો છે, પણ આ કાર્યક્રમનું આયોજન કરનારી કંપનીનું નામ 3Sixty Shows છે અને એનો માલિક કોઈ પાકિસ્તાની છે.

FWICEએ પત્રમાં લખ્યું છે કે ‘બાદશાહ, અમને જાણવા મળ્યું છે કે તમે ૧૯ સપ્ટેમ્બરે અમેરિકાના ડૅલસમાં કર્ટિસ કલવેલ સેન્ટરમાં આગામી કાર્યક્રમ ‘બાદશાહ અનફિનિશ્ડ ટૂર’માં પર્ફોર્મ કરવાના છો, જેનું આયોજન કથિતરૂપે પાકિસ્તાની નાગરિકો દ્વારા સંચાલિત કંપની 3Sixty Shows દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમ તમે જાણો છો, ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝે ભારતીય મનોરંજનજગતના તમામ કલાકારો અને ટેક્નિશ્યનોને સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો છે કે તેઓ પાકિસ્તાની નાગરિકો કે પાકિસ્તાન સાથે સંકળાયેલાં સંગઠનો સાથે કોઈ પણ વ્યાવસાયિક સહયોગમાં કે પર્ફોર્મન્સમાં ભાગ ન લે. આ સૂચના ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોને ધ્યાન રાખીને આપવામાં આવી છે. આ પગલાં સરહદ પારથી ભારત વિરુદ્ધ ચાલી રહેલા આતંકવાદને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવ્યાં છે.’

ફેડરેશને આ પત્રમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહ્યું છે કે ‘અમે તમારી પાસેથી આ કાર્યક્રમ અને પાકિસ્તાની આયોજકો સાથે તમારા જોડાણ વિશે તાત્કાલિક જવાબની વિનંતી કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે એક આદરણીય ભારતીય કલાકાર તરીકે તમે રાષ્ટ્રની ભાવનાઓ અને FWICE તેમ જ ભારત સરકાર દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરશો.’

badshah bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news