09 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૅપર બાદશાહ
રૅપર બાદશાહે ભારતના ઝડપથી વિકસતા ક્વિક સર્વિસ રેસ્ટોરાં માર્કેટમાં ‘બૅડબૉય પીત્ઝા’ નામની માસ-પ્રીમિયમ પીત્ઝા ચેઈન લૉન્ચ કરી છે. બાદશાહે અંધેરીમાં પોતાનું પ્રથમ ફ્લૅગશિપ આઉટલેટ ખોલ્યું છે અને આગામી ત્રણ વર્ષમાં ભારતનાં ટોચનાં પાંચ મેટ્રો શહેરોમાં ૫૦ આઉટલેટ્સ ખોલવાનું લક્ષ્ય રાખે છે. આ પીત્ઝા ચેઇનનો ટાર્ગેટ વાર્ષિક ૧૫૦ કરોડ રૂપિયાની આવક મેળવવાનો છે.
‘બૅડબૉય પીત્ઝા’ના મેનુમાં પચાસથી વધુ પ્રકારના પીત્ઝા છે જેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્વાદનું કૉમ્બિનેશન છે. આ મેનુનું સૌથી મોટું આકર્ષણ છે ‘પુષ્પા પીત્ઝા’ જે ‘પુષ્પા’ ફિલ્મથી પ્રેરિત એક જોરદાર સ્વાદવાળો પીત્ઝા છે. મેનુમાં ડાઇનામાઇટ શેઝવાન, સ્મોકી બાર્બેક્યુ અને કોરિયન સ્ટાઇલ પીત્ઝા જેવા વિવિધ સ્વાદનો સમાવેશ છે. બાદશાહનું આ પહેલું વેન્ચર નથી. આ પહેલાં તેણે ફૅશન, ફાઇન ડાઇનિંગ, નાઇટલાઇફ, મીડિયા અને સ્પોર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સ જેવાં ક્ષેત્રોમાં પણ રોકાણ કર્યું છે.