03 November, 2025 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતીશ શાહ સાથેની રત્ના પાઠક શાહની તસવીર
૨૫ ઑક્ટોબરે બપોરે ૧૨.૫૭એ મને વૉટ્સઍપ પર મેસેજ મળ્યો, ‘મારી ઉંમરને લીધે લોકો મને ઘણી વાર ભૂલથી ઍડલ્ટ ગણી લે છે.’
આ મેસેજ મારા પ્રિય મિત્ર અને કલીગ સતીશ શાહે મોકલ્યો હતો. મેં ૨.૧૪ વાગ્યે રિપ્લાયમાં લખ્યું કે આ તારા માટે એકદમ સાચું છે. જોકે ૩.૪૯ વાગ્યે જ્યારે જે. ડી. મજીઠિયાએ મેસેજ કર્યો કે સતીશભાઈ હવે આપણી વચ્ચે નથી ત્યારે મને લાગ્યું કે કોઈ ભદ્દી મજાક કરી રહ્યું છે. પણ જેમ આ વાત ગળે ઊતરી એમ એ વધારે અવિશ્વસનીય લાગવા લાગી, સતીશ જતો રહ્યો! જીવનને પૂર્ણતા સાથે જીવવા માટે, એના પર હસવા માટે, દરેક પડકારનો સામનો કરી એમાંથી હસીને બહાર આવવા માટે કૃતનિશ્ચય માણસ જતો રહ્યો.
આઘાતગ્રસ્ત અને ભાંગી પડેલા મિત્રો એકબીજાને મેસેજ કરતા રહ્યા કે આ કેવી રીતે થયું? ક્યારે થયું? તેની સાથે કોણ હતું? હવે તે ક્યાં છે? કોઈને ખબર નહોતી પડી રહી કે શું કરવું. બસ, સતીશ આપણી વચ્ચેથી જતો રહ્યો.
પછીથી મને ખબર પડી કે જ્યારે મને સતીશનો મેસેજ મળ્યો હતો એ જ સમયની આસપાસ અન્ય મિત્રોને પણ સતીશના મેસેજ મળ્યા હતા. અફકોર્સ, જોક્સના મેસેજ.
લંચ માટે બેસતી વખતે મિત્રોમાં આનંદ વહેંચીને, હું સંપૂર્ણપણે સાજો થઈ રહ્યો છું અને બહુ જલદી ફ્રેન્ડ્સને મળી શકીશ એવા આત્મવિશ્વાસ સાથે સતીશ શાહે છેલ્લો જોક માર્યો – તે જતો રહ્યો!
હું સતીશને ૧૯૮૦ના દાયકાની શરૂઆતથી ઓળખતી હતી. એ વખતે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII)ના ગ્રૅજ્યુએટ્સ ફિલ્મ કેવી હોવી જોઈએ એ વિશેનાં અગાઉનાં ધોરણોને ઉપરતળે કરી રહ્યા હતા : રિયલ લાગતા ચહેરા અને અમે કદી જોઈ ન હોય એવી ઍક્ટિંગ-સ્કિલ્સ ચોતરફ જોવા મળી રહ્યાં હતાં અને એ માટેનું ઑડિયન્સ પણ વધી રહ્યું હતું. પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો હતો. સતીશ પાસે આવી ફિલ્મો માટેની બધી સ્કિલ્સ હતી. તે ગાઈ શકતો, નાચી શકતો, જરૂર પડે ત્યારે નાટકીય થઈ શકતો, બૉડી પર તેનો કન્ટ્રોલ અને જે ગ્રેસ સાથે તે ચાલતો એ સ્પેશ્યલ હતું. ભાષાઓ અને બોલવાની લઢણો બાબતે તો તે જબરદસ્ત હતો. સાંભળેલું યાદ રાખવામાં તેની સ્મરણશક્તિ ગજબ હતી અને તેનું સંવેદનશીલ પાસું પણ હતું. એ સમયના દિગ્દર્શકોને સતીશમાં વિનોદવૃત્તિ સિવાય બીજાં પાસાં ન દેખાયાં એ દુઃખની વાત છે. કદાચ સતીશ પોતે પણ પોતાની જાતને એક રમૂજી વ્યક્તિ તરીકે જ જોવા લાગ્યો હતો. રમૂજી હોવાના એ ‘ભ્રમ’ને તેણે ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન જાળવી રાખ્યો, અથવા કદાચ એ જ સાચો સતીશ હતો. અલબત્ત, મને તો નવાઈ લાગે છે કે શું ખરેખર તે ક્યારેય ‘ઑફ-સ્ક્રીન’ હતો? તેને ટેલિવિઝન પર સફળતા મળી એ પછી તેની નવી જ સફર શરૂ થઈ. આ સફરથી જાણે તેને એક સુરક્ષિત અસ્તિત્વ મળ્યું, મોટું ફૅન-ફૉલોઇંગ મળ્યું, કામનો સંતોષ મળ્યો અને સારા મિત્રો પણ મળ્યા. બની શકે કે આ બધું મેળવવા માટે તેણે નાની કિંમત ચૂકવવી પડી, એ કિંમત એટલે તેના પર્ફોર્મન્સમાં વિવિધતાનો અભાવ અને પોતાના વ્યક્તિત્વને વ્યાપક બનાવવાની અનિચ્છા.
ફ્લૅશબૅક. સતીશ સાથે ‘ફિલ્મી ચક્કર’ના ટાઇટલ સૉન્ગનું શૂટિંગ હતું. હું તો હજી કૉમેડીમાં નવી-નવી હતી. ત્યારે મેં ‘ઇધરઉધર’ના માત્ર ૧૩ એપિસોડ કર્યા હતા. સતીશ શાર્પ હતો, ઘડાયેલો હતો, કૉમેડીનો તો ઉસ્તાદ હતો. ‘યે જો હૈ ઝિંદગી’ના ૬૭ એપિસોડ્સમાં સતીશ ૫૦ જુદાં-જુદાં પાત્ર ભજવી ચૂક્યો હતો. મને તરત ખબર પડી ગઈ હતી કે મારે ઘણું શીખવાનું છે અને મારા દોસ્ત સૅટ્સ (અમે બન્ને એકબીજાને વર્ષોથી સૅટ્સ અને રૅટ્સ કહીને બોલાવતાં હતાં)થી વધુ સારી રીતે તો બીજું કોણ મને એ શીખવી શકશે? તે ખરેખર ખૂબ ઉદાર કલાકાર હતો. સતીશે મને તો મદદ કરી જ અને સાથે અમારા પુત્રોની ભૂમિકા ભજવતા બે નાના છોકરાઓને પણ તેમનો રોલ ભજવવામાં ઘણી મદદ કરી. નાની ભૂમિકા ભજવતા બીજા પણ અનેક ઍક્ટર્સને તેણે મદદ કરી. સાચું કહું તો જેટલા સીન ખૂબ સારા બન્યા હતા એ તમામ સીન પાછળ મુખ્ય કારણ સતીશ જ હતો. અમે લોકો ખરેખર તો નબળા ડિરેક્ટર અને ખરાબ સ્ક્રિપ્ટ વચ્ચે ફસાયેલા હતા. સ્ક્રિપ્ટ તો મોટે ભાગે શૂટિંગના દિવસે આવતી અને એ પણ કોઈ રમૂજી લાઇન્સ વગરની. મને યાદ છે અમે ચારેય જણ; હું, સતીશ, વિજય કશ્યપ અને સુલભા આર્ય સ્ટુડિયોમાં લાઇટિંગનું કામ ચાલતું હોય ત્યારે બહાર જમીન પર બેસીને રાઇટર અને ડિરેક્ટર સાથે રોજેરોજના સીન્સને સરખા કરવાના પ્રયત્નો કરતા.
સતીશના અનુભવને લીધે જ સીન્સમાં રમૂજી પળો બનતી હતી. એ જ કારણે ઘણી વાર હાસ્યાસ્પદ લાગતો સીન પણ ફની બની જતો હતો. સતીશ બીજા ઍક્ટર્સને તેમના ટાઇમિંગમાં ખૂબ મદદ કરતો હતો. તેણે ક્યારેય શોમાં પોતે કેન્દ્રમાં રહેવાનો પ્રયાસ નહોતો કર્યો. આ બધાં કારણોને લીધે જ એ સિરીઝ સફળ થઈ હતી.
મારા માટે તો એ કૉમેડીની સ્કૂલ હતી. કઈ રીતે ડાયલૉગનું ટાઇમિંગ જાળવીને પંચલાઇન મારવી, કઈ રીતે ગાંડપણને સ્વીકારીને પણ ગૌરવ અને લાગણી જાળવવાં એ મને શીખવા મળ્યું. હું પર્ફોર્મન્સમાં વાસ્તવને શોધતી હતી અને સતીશ છાપ છોડવાની શોધમાં રહેતો. મને થોડા જ સમયમાં સમજાઈ ગયું કે આ બન્ને બાબત જરૂરી છે (અને સિટકૉમ જેવા પ્રકારમાં પણ શક્ય છે) અને અહીંથી શરૂ થયેલી પ્રોસેસનાં ફળ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’માં મળ્યાં. આતિશ કાપડિયા અને જે. ડી. મજીઠિયાએ મને એકદમ નાની બ્રીફ આપીને તેમના આ શો વિશે કહ્યું ત્યારે મને એ એકદમ ક્રેઝી અને હટકે લાગ્યો એટલે મેં તરત હા પાડી દીધી હતી. તરત જ બીજો પ્રશ્ન હતો કે તો હવે ઇન્દ્રવદનનો રોલ કોણ કરશે? જોકે આ એકદમ બિનજરૂરી પ્રશ્ન હતો, જેના જવાબ માટે વિચાર કરવાની જરૂર જ નહોતી. અફકોર્સ સતીશ શાહ!
‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ તો અનેક ઊર્જાઓનું એક જાદુઈ મિશ્રણ હતું. દરેકની વિશિષ્ટતા એ મિશ્રણમાં ઉમેરાતી અને એકબીજા સાથે સુમેળ સાધી લેતી હતી. આતિશનો સ્ક્રિપ્ટ પર પૂરેપૂરો વિશ્વાસ, દરેક પાત્ર કેવી રીતે ભજવાવું જોઈએ એ વિશે દેવેનની ઊંડી સમજ, પોતાના પાત્રને કુશળતાપૂર્વક આત્મસાત્ કરી ચૂકેલા અમે પાંચેય ઍક્ટર્સ (અને હા, સાથે દેવેન અને આતિશ પણ, દુષ્યંત અને કચ્ચા કેલા તરીકે તેમણે ભજવેલાં મજેદાર પાત્રો કોણ ભૂલી શકે?) અને આ બધા સાથે પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયાનો મજબૂત સપોર્ટ. અમારા માટે એકબીજાની સ્કિલ્સમાં વિશ્વાસ અને પરસ્પર પ્રશંસાના એ સુંદર વાતાવરણમાં રહેવાનો અનુભવ અદ્ભુત હતો. મને લાગે છે કે ઑડિયન્સ તરીકે પણ ઘણા લોકો માટે એ એક એવો જ અનોખો અનુભવ હતો.
અને સતીશ માટે તો આ એકદમ ઉત્તમ હતું, કારણ કે અહીં તો તે જે છે એકદમ એ જ બનીને રહી શકતો હતો. સતીશે એક પાળેલો અજગર રાખ્યો હતો જેને તે પોતાના ઘરે આવતા મહેમાનો પાસે છોડી પણ દેતો. તેણે એક વાર એવું નસીર સાથે પણ કર્યું હતું. નસીરને તો સાપનો ફોબિયા છે. પછી તો તેણે એ અજગરને શાંતિથી પોતાની ફરતે વીંટાળ્યો ત્યારે તેની મમ્મી આઘાત અને આશ્ચર્યમાં જોઈ રહી હતી, તેણે પોતે જન્મ આપેલા એ વિચિત્ર પ્રાણી સામે!
બધાને એવું જ લાગતું કે સતીશ ક્યારેય સિરિયસ નથી હોતો, તે દરેક સ્થિતમાં કંઈક વિચિત્રતા શોધી લેતો. જીવનનાં દુખદ દુર્ભાગ્યો અને સંઘર્ષ છતાં તેને કોઈએ ઉદાસ કે નિરાશ નથી જોયો, પણ જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે સતીશ કોણ હતો? મને પણ એ જ વાતનું ઘણી વાર આશ્ચર્ય થતું. પણ બેશક, તે અમારા સારાભાઈ ફૅમિલીનો આધારસ્તંભ હતો.
અને હા, અમે સાચે જ એક ફૅમિલી બની ગયા છીએ, જ્યારે અમે સતીશને અંતિમ વિદાય આપવા માટે ભેગા થયા ત્યારે એ વાત સતીશની ગેરહાજરીમાં તો વધારે ઊંડાણથી અનુભવાઈ હતી. અમે તેને તદ્દન મૌન જોયો. જેને કોઈ રોકી શકે એમ નહોતું તે અચાનક બોલતાં-બોલતાં અધવચ્ચે અટકી ગયો, તેનો બોલકો ચહેરો એકદમ સ્થિર થઈ ગયો (શું તે શાંત દેખાતો હતો? મને ખાતરી નથી). છેલ્લાં ૪૫ વર્ષથી તેના જીવનના દરેક તબક્કાની ભાગીદાર મધુ માટે શું થયું છે એ સમજવાનું અઘરું હતું. તેણે મને પૂછેલું, ‘શું ખરેખર આવું બન્યું છે?’ તેની આંખો સ્તબ્ધ અને હાથ સજ્જડ થઈ ગયા હતા. સતીશ મધુ માટે જ જીવવા માગતો હતો. તેના સંઘર્ષભર્યા સમયમાં તેની સાથે રહેવા માગતો હતો. ‘મધુએ મારા માટે વર્ષોથી આ કર્યું છે, હવે મારો વારો છે’ એવું તે કહેતો.
સતીશ ખૂબ સારું ગાતો, તે ગાતો ત્યારે મધુ પણ તેના મધુર અને આનંદી સ્વરમાં તેને સાથ આપતી. હવે તેના માટે અને તેની સાથે કોણ ગાશે?
સારાભાઈ ફૅમિલી આ પ્રસંગે આગળ આવી હતી અને સતીશને યાદગાર વિદાય આપી હતી. તેનાં બધાં જ ગમતાં ગીતો અમે ગાયાં હતાં, સદ્ભાગ્યે કોઈ ભાષણો નહોતાં. મધુ પણ અમારી સાથે જોડાઈ શકી હતી. શરૂઆતમાં તેણે ધીમા અવાજે ગીતો ગાયાં હતાં. એ ગીતો સાથે જોડાયેલી વ્યક્તિ ત્યાં હાજર નહોતી એ વાત સ્વીકારવી મધુ માટે ખૂબ મુશ્કેલ હતી. પણ પછી સતીશના જીવનને એક ઉત્સવ તરીકે ઊજવવા માટે ભેગા થયેલા સ્વજનોની હૂંફને લીધે મધુ ખૂલી ઊઠી. ગાતાં-ગાતાં તેનો અવાજ બુલંદ થતો ગયો હતો. જાણે કે તે તેના સતીશ સામે જ ગાઈ રહી હતી.
ઓચિંતો વરસાદ પણ પડ્યો – ઇન્ડિયન કૉમેડીનું બદમાશ બાળક આગેકૂચ કરતું આવી રહ્યું છે એ ડરથી કદાચ સ્વર્ગને પણ આંસુ આવી ગયાં!