20 April, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેખા
રેખા જ્યાં પણ જાય છે ત્યાં છવાઈ જાય છે. તે પોતાની ખૂબસૂરતીની સાથે-સાથે સારા વ્યવહારથી લોકોનાં દિલ જીતી લે છે. રેખા હંમેશાં પોતાના ફૅન્સ સાથે બહુ સારું વર્તન કરે છે.
હાલમાં રેખાએ એક અવૉર્ડ-ફંક્શનમાં હાજરી આપી હતી. અહીં તેમણે રેડ કાર્પેટ પર ફોટોગ્રાફરોને પોઝ આપ્યા. આ જોઈને કેટલાક ફોટોગ્રાફરોએ રેખા પાસે તેમની સાથે તસવીર ક્લિક કરાવવાની વિનંતી કરી. રેખાએ પણ તેમને નિરાશ ન કર્યા અને તેમને વારાફરતી બોલાવ્યા અને દરેક સાથે વ્યક્તિગત તસવીર ક્લિક કરાવી. એક ફોટોગ્રાફર સાથે તો રેખાએ ખભા પર હાથ રાખીને તસવીર ક્લિક કરાવી અને પછી પ્રેમથી તેના માથા પર ટપલી મારી.
૭૦ વર્ષની રેખાનો આ અંદાજ જોઈને ફૅન્સ તેના પર ફિદા થઈ ગયા અને એક ફૅને તો કહી દીધું કે ‘રેખા જૈસી કોઈ નહીં.’ રેખાનું આ વર્તન જોઈને ફૅન્સે તેની સાથે જયા બચ્ચન અને હેમા માલિનીના ખરાબ વર્તનનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમણે રેખા પાસેથી કંઈક શીખવું જોઈએ. હકીકતમાં જયા બચ્ચન અવારનવાર ફોટોગ્રાફરો પર ગુસ્સો કરતી અને તેમના પર બૂમો પાડતી જોવા મળે છે. થોડા દિવસ પહેલાં હેમા માલિનીનો પણ એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં તે ફોટોગ્રાફર્સને જોઈને મોં બગાડતી ક્લિક થઈ ગઈ હતી.