23 January, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની પ્રોફેશનલ લાઇફ કરતાં પર્સનલ લાઇફને કારણે વધારે સમાચારમાં રહે છે. ઐશ્વર્યા હાલમાં પરિવાર સાથે સમય વિતાવવામાં વ્યસ્ત છે અને ફિલ્મોથી થોડું અંતર રાખી રહી છે. તે પોતાની દીકરી આરાધ્યાના ઉછેરમાં ખાસ ધ્યાન આપી રહી છે. હાલમાં ઐશ્વર્યાનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરીથી ચર્ચામાં આવ્યો છે જેમાં તેણે પરિણીત મહિલાઓને સલાહ આપતાં કહ્યું હતું કે ચૂપ રહેવું જ સૌથી મોટી શક્તિ છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ૨૦૦૭માં કરણ જોહરના ચૅટ-શો ‘કૉફી વિથ કરણ’માં આવ્યાં હતાં જ્યાં બન્નેએ પોતાના લગ્નજીવન વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. અભિષેકે ખુલાસો કર્યો હતો કે જ્યારે પણ તેમની વચ્ચે ઝઘડો થાય છે ત્યારે વાત કરવાનો પ્રયત્ન હંમેશાં તે જ કરે છે. તેણે હસતાં-હસતાં કહ્યું હતું કે જે કોઈ પણ પરિણીત પુરુષ છે તે આ વાત સમજી શકે છે, કારણ કે કોઈ પણ પત્ની પહેલાં માફી માગતી નથી. તેણે મજાકમાં ઉમેર્યું હતું કે દરેક લગ્નમાં પત્ની હંમેશાં સાચી જ હોય છે.
અભિષેકની વાત પછી ઐશ્વર્યાએ જવાબ આપતાં કહ્યું હતું કે ‘ચૂપ રહેવું જ એક પરિણીત મહિલાની સૌથી મોટી તાકાત છે. આ જીદની વાત નથી, પરંતુ પ્રેમને પોતાનો માર્ગ શોધવા દેવાની વાત છે.’