રિયા ચક્રવર્તીને વધુ એક રાહત

27 April, 2026 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ફ્રીઝ કરાયેલાં તેનાં અને પરિવારનાં બૅન્ક-ખાતાં અનફ્રીઝ કરવાનો આદેશ, દિવંગત ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ક્લીન ચિટ મળ્યા બાદ ઍક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ફરી એક મોટી રાહત મળી છે.

રિયા ચક્રવર્તીને વધુ એક રાહત

દિવંગત ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં ક્લીન ચિટ મળ્યા બાદ ઍક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ફરી એક મોટી રાહત મળી છે. મુંબઈની સ્પેશિયલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) કોર્ટે રિયા અને તેના પરિવાર સાથે જોડાયેલાં ચાર બૅન્ક-ખાતાંઓને અનફ્રીઝ કરવાનો અને એ ફરીથી ઑપરેટ કરવાની મંજૂરી આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ઠેરવ્યું છે કે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) રિયા અને તેના પરિવારનાં બૅન્ક- ખાતાં ફ્રીઝ કરતી વખતે ફરજિયાત વૈધાનિક સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યો છે.
વાસ્તવમાં 2020માં સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન NCBએ આ ખાતાંઓ ફ્રીઝ કર્યાં હતાં. આ સમયે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ રિયા પર હત્યા અને ડ્રગ્સ સપ્લાય કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. જોકે ગત વર્ષે આ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન તરફથી તેને ક્લીન ચિટ મળી હતી.
NDPS કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ‘NCBએ NDPS એક્ટ હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં સક્ષમ અધિકારી પાસેથી ખાતાં ફ્રીઝ કરવાની કાર્યવાહીનું કન્ફર્મેશન મેળવ્યું નહોતું જેના કારણે આ પ્રતિબંધ કાયદેસર રીતે ટકી શકે તેમ નથી.’
2020માં બૅન્ક-ખાતાં ફ્રીઝ કરવાની સાથે-સાથે રિયા ચક્રવર્તીનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે સાત મહિના પહેલાં બૉમ્બે હાઈ કોર્ટે રિયાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને NCBને તેનો પાસપોર્ટ પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

rhea chakraborty bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sushant singh rajput