31 October, 2025 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉસ્પિટલમાં દાખલ થયેલા સુધીર દળવીના પરિવારને આર્થિક મદદ કરી રિદ્ધિમા કપૂરે
સાંઈબાબાની ભૂમિકાથી લોકપ્રિયતા મેળવનાર ઍક્ટર સુધીર દળવી સેપ્સિસની ગંભીર સમસ્યાને કારણે ૮ ઑક્ટોબરથી બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં છે. તેમની સારવારનો ખર્ચ દિવસે-દિવસે વધી રહ્યો છે ત્યારે તેમના પરિવારે સારવાર માટે ફૅન્સ તેમ જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પાસેથી ૧૫ લાખ રૂપિયાની આર્થિક મદદ માગી હતી. રિપોર્ટ પ્રમાણે દળવીના પરિવારને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે મદદ કરી છે અને આ વાતની જાણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.
જોકે તેની પોસ્ટ પર એક વ્યક્તિએ ટ્રોલ કરતાં સવાલ કર્યો કે જો તેણે મદદ કરી છે તો અહીં એની જાહેરાત કેમ કરે છે... ફુટેજ જોઈએ છે? આ ટ્રોલિંગ પછી રિદ્ધિમાએ આ વ્યક્તિની ઝાટકણી કાઢતાં જવાબ આપ્યો કે ‘જીવનમાં બધું દેખાડા વિશે નથી. કોઈને જરૂરિયાતમાં મદદ કરવી અને જે કરી શકો એ કરવું એ સૌથી મોટા આશીર્વાદ છે.’