જૅકલિન ફર્નાન્ડિસે ૨૦૦ કરોડ રૂપિયાના મની-લૉન્ડરિંગ કેસમાં તેના પર લાગેલા આરોપ કોર્ટમાં ફગાવ્યા

04 June, 2026 10:36 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોર્ટની કાર્યવાહી પૂરી થતાં જ જૅકલિન સીધી પરિસરમાંથી બહાર નીકળીને મીડિયા સાથે કોઈ પણ વાત કર્યા વગર રવાના થઈ ગઈ

ગઈ કાલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયેલી જૅકલિન ફર્નાન્ડિસ.

જૅકલિન ફર્નાન્ડિસ ૨૦૦ કરોડ રૂપિયાના મની-લૉન્ડરિંગ કેસમાં ગઈ કાલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઈ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જૅકલિનની ભૂમિકા અને પૈસાની લેવડદેવડની તપાસ કરી રહ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમ્યાન જૅકલિને પોતાના પર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવહોણા ગણાવીને ફગાવી દીધા. કોર્ટની કાર્યવાહી પૂરી થતાં જ જૅકલિન સીધી પરિસરમાંથી બહાર નીકળીને મીડિયા સાથે કોઈ પણ વાત કર્યા વગર રવાના થઈ ગઈ.

આ આખો મામલો હાઈ-પ્રોફાઇલ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે. સુકેશ પર આરોપ છે કે તેણે દિલ્હીની રોહિણી જેલની અંદરથી જ ફોર્ટિસ હેલ્થકૅરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી ૨૦૦ કરોડ રૂપિયાની ખંડણી વસૂલી હતી. તપાસ-એજન્સી EDનો દાવો છે કે સુકેશે આ વસૂલાતની રકમનો મોટો હિસ્સો જૅકલિન અને તેના પરિવાર પર ખર્ચ કર્યો હતો. સુકેશે આ સિવાય જૅકલિનને લલચાવવા માટે કરોડો રૂપિયાની ભેટ આપી હતી.

jacqueline fernandez sukesh chandrashekhar enforcement directorate delhi high court new delhi entertainment news bollywood bollywood news