01 February, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘શતક : સંઘ કે ૧૦૦ વર્ષ’નું પોસ્ટર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નાં ૧૦૦ વર્ષ પૂરાં થવાના અવસરે બનેલી ફિલ્મ ‘શતક : સંઘ કે ૧૦૦ વર્ષ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૧૯ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ‘શતક : સંઘ કે ૧૦૦ વર્ષ’માં સંઘની સદી લાંબી યાત્રા, એની વિચારધારા અને સમાજમાં આપેલા યોગદાનને કેન્દ્રમાં રાખીને રજૂઆત કરવામાં આવી છે. ૨૦૨૫માં RSSએ પોતાનાં ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં હતાં. આ ઐતિહાસિક પડાવને આધાર બનાવીને આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ‘શતક : સંઘ કે ૧૦૦ વર્ષ’ એ RSSની અત્યાર સુધીની સંઘર્ષગાથા રજૂ કરે છે જેણે દેશના સામાજિક અને સાંસ્કૃતિક જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો છે.
ટીઝરમાંથી જાણવા મળે છે કે ફિલ્મ સંઘ સાથે જોડાયેલા ઘણાં વર્ષોથી ચાલતા ભ્રમો અને ગેરસમજો પર પણ પ્રકાશ પાડે છે. ફિલ્મનો હેતુ માત્ર ચર્ચાઓ કે વિવાદો સુધી સીમિત રહેવાનો નથી; પરંતુ ઇતિહાસ, વિચારધારા અને સંગઠનના વિકાસને યોગ્ય સંદર્ભ સાથે રજૂ કરવાનો છે. એમાં સ્વતંત્રતા-સંગ્રામમાં RSSનું યોગદાન, વિવિધ સમયગાળામાં લાગેલા પ્રતિબંધો અને આપાતકાલ જેવા મહત્ત્વના વિષયોને આવરી લેવામાં આવ્યા છે.