21 April, 2025 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એ. આર. રહમાન
મ્યુઝિક-કમ્પોઝર અને સિંગર એ. આર. રહમાન પોતાની મ્યુઝિક કૉન્સર્ટ ‘વન્ડરમેન્ટ’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ તૈયારી વચ્ચે તેમણે એક ઇન્ટરવ્યુ આપ્યો છે અને જણાવ્યું છે કે અંગત જીવનને લગતી અફવાઓ માનસિક સ્વાસ્થ્ય બગાડે છે. થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયામાં એ. આર. રહમાનને લગતી એક પોસ્ટ વાઇરલ થઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે એ. આર. રહમાન પોતાના બૅન્ડની ગિટારિસ્ટ રહી ચૂકેલી મોહિની ડે સાથે રિલેશનશિપમાં છે. આ અફવાથી વ્યથિત થયેલા રહમાને એક નિવેદન આપીને નોટિસ પણ જાહેર કરી હતી જેમાં તેણે પોતાની વિરુદ્ધ અફવા ફેલાવનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી પણ આપી હતી.
ઇન્ટરવ્યુમાં પોતાના મનની વાત જણાવતાં રહમાને કહ્યું હતું કે ‘મને લાગે છે કે અફવાઓની મન પર નકારાત્મક અસર પડે છે અને દરેક કલાકારે આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. પરિસ્થિતિમાં ફસાયેલા હોવાથી કલાકાર દુખી થાય છે, પણ આ પરિસ્થિતિમાં પણ તેણે કામ તો કરવું જ પડે છે. તમે ભલે અંદરથી દુખી હો, પણ બહારથી તો તમે ખુશ હો એવું જ બતાવવું પડે. આવી બાબતોની મન પર અસર પડે છે, પણ મારું માનવું છે કે આ પણ જિંદગીનો એક હિસ્સો છે અને જિંદગીમાં ચડાવ-ઉતાર તો આવતા જ રહે છે.’