28 March, 2026 08:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સબા આઝાદ ગંભીર ઇન્ફેક્શનને કારણે હૉસ્પિટલમાં દાખલ, ૧૪ દિવસમાં ૪ કિલો વજન ઘટ્યું
હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ અને ઍક્ટ્રેસ સબા આઝાદની તબિયત અચાનક બગડી ગઈ છે. તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને પોતાની હાલત વિશે માહિતી આપી છે. શૅર કરેલી તસવીરમાં સબા હૉસ્પિટલના બેડ પર પડેલી જોવા મળે છે.
સબાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તે છેલ્લા ૧૪ દિવસથી ગંભીર ઇન્ફેક્શન સાથે સંઘર્ષ કરી રહી છે. તેણે કહ્યું કે તેને એક ગંભીર ઇન્ફેક્શન થયું છે જેના કારણે તેની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. પોતાની સ્થિતિ વિશે સબાએ લખ્યું છે કે ‘માત્ર બે અઠવાડિયાંમાં મારું લગભગ ૪ કિલો વજન ઘટી ગયું છે અને હાલત એવી થઈ ગઈ કે મને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. હું પહેલાં દિવસમાં બે વાર ટ્રેઇનિંગ કરતી હતી, ભારે વજન ઉઠાવતી હતી, પરંતુ બીમારી પછી એટલી નબળી થઈ ગઈ કે સામાન્ય વસ્તુ ઉઠાવવાની શક્તિ પણ રહી નથી. મારા અનુભવ પરથી કહું છું કે ખોરાક અને એમાં પણ ખાસ કરીને સલાડ અને શાકભાજી સારી રીતે ધોઈને જ ખાવાં જોઈએ. જોકે આ મુશ્કેલ સમયમાં હૃતિક મારી બહુ કાળજી લઈ રહ્યો છે અને હૉસ્પિટલની આ તસવીર પણ તેણે જ ક્લિક કરી છે.’