✕

શહેરના લોકો ઉંમર વધવાની સાથે શરીરમાં થતા ફેરફારોથી અસહજ કેમ થઈ જાય છે?

24 November, 2026 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમન્ના ભાટિયાએ સદ્ગુરુને આ સવાલ પૂછ્યો, તેમણે વિગતવાર જવાબ આપ્યો

રવિવારે વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલી એક હોટેલમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, તમન્ના ભાટિયા અને વિશાલ ભારદ્વાજ વચ્ચે થઈ વાતચીત.

તમન્ના ભાટિયા અને ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજે રવિવારે એક હોટેલમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ સાથે ખાસ વાતચીત કરી હતી. આ મુલાકાત સદ્ગુરુના નવા પુસ્તક ‘ડિસઅપિયરિંગ ફેસિસ’ વિશે ચર્ચા કરવા માટે યોજાઈ હતી. તમન્નાએ આ દરમ્યાન  સદ્ગુરુને સવાલ કર્યો હતો કે શહેરોમાં રહેતા લોકો સમય પસાર થવાની સાથે પોતાના શરીરમાં થતા ફેરફારોથી અસહજ કેમ થઈ જાય છે? સદ્ગુરુએ પણ તમન્નાના આ સવાલનો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો હતો.

તમન્નાના સવાલનો જવાબ આપતાં સદ્ગુરુએ કહ્યું હતું કે ‘ભારતમાં આ પ્રકારની વિચારસરણી છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે. અગાઉ ભારતમાં સ્ત્રી અને પુરુષ બન્ને સન્માન સાથે વૃદ્ધાવસ્થામાં પ્રવેશતાં હતાં. જોકે છેલ્લા કેટલાક સમયથી આપણે પશ્ચિમી વિચારો અપનાવ્યા છે જેમાં આખી સભ્યતા હૉર્મોન્સના આધારે ચાલતી હોય એવું લાગે છે. આ એવી માનસિકતા છે જેમાં યુવાનીને જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ અને ઇચ્છનીય સમયગાળો માનવામાં આવે છે. આ વિચારસરણી પ્રમાણે જ્યારે વ્યક્તિ હૉર્મોનલ પીક પર હોય છે ત્યારે તે સૌથી વધુ સક્ષમ હોય છે એવું માનવામાં આવે છે. મારી દૃષ્ટિએ આ વિચારસરણી વ્યક્તિના સમગ્ર જીવન પ્રત્યેના ઉત્સાહને ઓછો કરી દે છે અને તેને જીવનના માત્ર એક જ તબક્કાના અનુભવો સુધી મર્યાદિત રાખે છે. આ સભ્યતા એ વાતને સંપૂર્ણપણે નકારી કાઢે છે કે વ્યક્તિના સમગ્ર જીવનકાળ દરમ્યાન વિકાસ થવો અને બદલાવ આવવો પણ પોતાનામાં અલગ મહત્ત્વ ધરાવે છે. તેથી જો આપણે જીવન પ્રત્યે માત્ર એક જ પ્રકારનો અભિગમ રાખીશું તો એને સંપૂર્ણપણે જીવી શકીશું નહીં.’

bollywood buzz bollywood news bollywood entertainment news tamanna bhatia celeb health talk