11 April, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલીમ અખ્તર
બૉલીવુડના જાણીતા પ્રોડ્યુસર સલીમ અખ્તરનું ૮ એપ્રિલે ૮૨ વર્ષની વયે અવસાન થયું છે. બીમારી પછી તેમને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા. આખરે મંગળવારે તેમણે દુનિયાને અલવિદા કહ્યું અને બુધવારે તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની શમા અખ્તર અને દીકરા સમદ અખ્તરનો સમાવેશ થાય છે.
સલીમ અખ્તરની કરીઅરની વાત કરીએ તો તેમણે ‘કયામત’ (૧૯૮૩), ‘ફૂલ ઔર અંગારે’ (૧૯૯૩), ‘બાઝી’ (૧૯૯૫) અને ‘બાદલ’ (૨૦૦૦) જેવી ફિલ્મો બનાવી છે. તેમણે રાની મુખરજીને ૧૯૯૭માં ‘રાજા કી આએગી બારાત’માં અને તમન્ના ભાટિયાને ૨૦૦૫માં ‘ચાંદ સા રોશન ચહેરા’માં લૉન્ચ કરી હતી.
સલીમ અખ્તરના અવસાનથી બૉલીવુડમાં શોકની લાગણી ફેલાઈ છે અને અનેક સેલિબ્રિટીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.