15 January, 2026 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાની બહેન નૂપુર સૅનનના રિસેપ્શનમાં ક્રિતી સૅનનનો પડ્યો વટ
ક્રિતી સૅનનની નાની બહેન નૂપુર સૅનને ઉદયપુરમાં સિંગર સ્ટેબિન બેન સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન પછી મંગળવારે મુંબઈમાં ગ્રૅન્ડ સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. આ સેલિબ્રેશનમાં બૉલીવુડમાંથી સલમાન ખાન, દિશા પાટની, ફારાહ ખાન, મનીષ મલ્હોત્રા, મૌની રૉય, રકુલ પ્રીત
સિંહ-જૅકી ભગનાણી, વીર પહારિયા, હિના ખાન, ઓરી તેમ જ અંકિતા લોખંડે-વિકી જૈન જેવા સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.
આ રિસેપ્શનમાં નૂપુર ડીપ મરૂન ઑફ-શોલ્ડર ગાઉનમાં સિક્વિન્સ અને ફ્લોઈ સ્કર્ટ સાથે રૉયલ અને ગ્લૅમરસ લાગી રહી હતી જ્યારે સ્ટેબિને ગ્લિટરિંગ બ્લૅક શેરવાની પહેરવાનું પસંદ કર્યું હતું. આ રિસેપ્શનમાં ક્રિતીએ વેલ્વેટની ઑલિવ ગ્રીન સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. આ આઉટફિટમાં ક્રિતી ગજબની સુંદર લાગી રહી હતી અને તેના ગ્લૅમરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમગ્ર રિસેપ્શન દરમ્યાન ક્રિતી સતત નાની બહેનની સાથે રહી હતી અને તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું હતું.
નૂપુર સૅનન અને સ્ટેબિન બેનના મંગળવારે યોજાયેલા ગ્રૅન્ડ રિસેપ્શન સમારંભમાં સલમાન ખાને પોતાની આગવી સ્ટાઇલથી ફૅન્સનાં દિલ જીતાં લીધાં. સલમાને સૂટ પહેરીને કડક સુરક્ષાવ્યવસ્થાની વચ્ચે આ રિસેપ્શમાં હાજરી આપી હતી. આ સમયે નૂપુર અને સ્ટેબિને તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને આ દરમ્યાન વરરાજા સ્ટેબિન તો સન્માન વ્યક્ત કરવા માટે સલમાન પાસે એકદમ નમી ગયો હતો. આ પછી સલમાને નૂપુર અને સ્ટેબિન ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરી હતી અને બધાને પ્રેમથી મળ્યો હતો.
વીર પહારિયા અને તારા સુતરિયા એકબીજાને ડેટ કર્યા પછી અલગ થઈ ગયા હોવાની ચર્ચા છે. જોકે બન્નેમાંથી કોઈએ આ વાતની સ્પષ્ટતા નથી કરી. જોકે મંગળવારે નૂપુર સૅનન અને સ્ટેબિન બેનના રિસેપ્શનમાં વીર કોઈની કંપની વગર એકલો પહોંચ્યો હતો. તેણે નવવિવાહિત કપલને ગળે લગાડીને શુભેચ્છા પાઠવી હતી. જોકે રિસેપ્શનમાં વીર તેની ગર્લફ્રેન્ડ તારા વગર એકલો આવતાં તેમનું બ્રેક-અપ કન્ફર્મ હોવાની ચર્ચા છે.
ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનનના મંગળવારે યોજાયેલા ભવ્ય રિસેપ્શનમાં તેની ખાસ ફ્રેન્ડ્સ દિશા પાટની અને મૌની રૉય પણ પહોંચ્યાં હતાં. આ રિસેપ્શનમાં દિશાએ રેડ કલરનો ગ્લૅમરસ ડ્રેસ પહેર્યો હતો, પણ ખાસ વાત તો એ છે કે આ ફંક્શનમાં દિશા કરતાં તેના પ્રેમી તલવિન્દર સિંહ સિધુ પર બધાની નજર હતી. તલવિન્દરે આ રિસેપ્શનમાં હાજરી આપી હતી, પણ એન્ટ્રી વખતે તેણે માસ્ક નીચે મોં છુપાવવાનું પસંદ કર્યું હતું. આ સિવાય તેણે દિશાની સાથે તસવીર ક્લિક કરાવવાનું પણ ટાળ્યું હતું.