20 May, 2026 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરી શ્રુતિ હાસન સાથે કમલ હાસન
ઍક્ટર અને રાજકારણી કમલ હાસન પહેલી વાર એક હૉલીવુડ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે અને ખાસ વાત એ છે કે તેની દીકરી શ્રુતિ હાસને આ ફિલ્મની વાર્તા લખી છે. જોકે હજુ સુધી બન્ને તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
તાજેતરમાં કમલ હાસન ફિલ્મનિર્માણમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ શીખવા માટે ૪૫ દિવસ માટે અમેરિકા ગયો હતો. ત્યાં તેણે એક સંસ્થામાંથી AIનો કોર્સ કર્યો હતો. માનવામાં આવે છે કે તેના આ તમામ પ્રયોગ આ હૉલીવુડ ફિલ્મ માટે જ છે.
કમલ હાસને ‘કલ્કિ 2898 AD’ની સીક્વલનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ માટે પ્રવાસ કરતી વખતે કમલ હાસને લક્ઝરી ટ્રાવેલ છોડીને ઇકૉનૉમી ક્લાસમાં મુસાફરી કરવાનું પસંદ કર્યું, જેની ફિલ્મના નિર્માતા વૈજયંતી મૂવીઝે ભારે પ્રશંસા કરી છે. વૈજયંતી મૂવીઝે સોશ્યલ મીડિયા પર કમલ હાસનની ફ્લાઇટ દરમ્યાનની તસવીર શૅર કરી હતી જેમાં તે ઇકૉનૉમી ક્લાસમાં બેસીને પોતાના ફોનમાં સ્ક્રોલ કરતો જોવા મળ્યો હતો. આ પોસ્ટની કૅપ્શનમાં નિર્માતાઓએ લખ્યું, ‘કમલ હાસને પ્રાઇવેટ ચાર્ટર અને લક્ઝરી ટ્રાવેલ છોડીને ઇકૉનૉમી ફ્લાઇટમાં સીધા શૂટિંગ-સેટ પર જવાનું પસંદ કર્યું. જ્યારે ઇન્ડસ્ટ્રી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમનું આ પગલું જ બતાવે છે કે તેઓ કેટલા મહાન છે. સિનેમામાં વધુ સારા બદલાવ માટેનું આ પહેલું પગલું છે.’