26 November, 2025 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવારે અવસાન થયું હતું. તેમના નિધનથી આખી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ છે. ધર્મેન્દ્રના ખાસ મિત્ર અને ‘શોલે’ના તેમના પાર્ટનર ‘જય’ અમિતાભ બચ્ચને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારમાં અમિતાભ બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા. પોતાના ‘વીરુ’ને ગુમાવી દીધા પછી અમિતાભ બચ્ચનને રાતે ઊંઘ નહોતી આવી એવું લાગે છે, કારણ કે તેમણે સોમવારે મધરાતે પોતાના ખાસ મિત્ર માટે એક પોસ્ટ લખી હતી. અમિતાભે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘વધુ એક મહાન વ્યક્તિત્વ આપણને છોડીને ચાલ્યું ગયું. તેમણે આ મંચ છોડી દીધો છે અને પાછળ એવી ખામોશી છોડી ગયા છે જે અસહ્ય છે. ધરમજી... તેઓ મહાનતાના પ્રતીક હતા, ફક્ત તેમના પ્રસિદ્ધ વ્યક્તિત્વને કારણે નહીં પરંતુ તેમના વિશાળ હૃદય અને સાદગી માટે પણ. તેઓ પંજાબના જે ગામમાંથી આવ્યા હતા એની માટીની સુગંધ પોતાની સાથે લાવ્યા અને પોતાની આખી શાનદાર કારકિર્દી દરમ્યાન એ સાદગી અને સ્વભાવને જાળવી રાખ્યો. ફિલ્મજગતમાં દાયકાઓથી ઘણું બદલાયું, પણ તેઓ ન બદલાયા. તેમનું સ્મિત, તેમનું આકર્ષણ અને તેમની આત્મીયતા... જેકોઈ તેમની નજીક આવ્યું તે તેમનાથી પ્રભાવિત થયા વિના રહી શક્યું નહીં. આપણી આસપાસની હવા હવે સૂની-સૂની લાગે છે. એક એવો ખાલીપો પેદા થયો છે જે હંમેશાં ખાલી જ રહેશે. પ્રાર્થનાઓ.’
સુપરસ્ટાર ધર્મેન્દ્રનું સોમવારે ૮૯ વર્ષની વયે અવસાન થયું હતું. ધર્મેન્દ્રના અવસાન પછી તેમના ફૅન્સને તેમના જીવન સાથે સંકળાયેલી અનેક ઇચ્છાઓ જાણવા મળી છે. ધર્મેન્દ્રની એક ઇચ્છા હતી કે તેમની બાયોપિકમાં તેમનો રોલ સલમાન ખાન ભજવે. લગભગ એક દાયકા પહેલાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે ધર્મેન્દ્રને પૂછવામાં આવ્યું હતું કે જો તમારી બાયોપિક બને તો તમારો રોલ કોણ કરી શકે? ત્યારે ધર્મેન્દ્રએ જવાબમાં તરત જ કહ્યું હતું, ‘મારો રોલ કરવા માટે સલમાન ખાન યોગ્ય પસંદગી છે. તેનામાં મારા જેવી ઘણી બાબતો છે. તે મને સંપૂર્ણ રીતે સ્ક્રીન પર જીવી શકે છે. તે પોતે ખૂબ સારો માણસ છે. હું તેને ખૂબ પ્રેમ કરું છું. તે દિલનો સાફ અને સાચો માણસ છે.’
ધર્મેન્દ્રનું નિધન સમગ્ર ફિલ્મજગત માટે મોટો આઘાત છે. આ સંજોગોમાં શાહરુખ ખાને પણ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને ધર્મેન્દ્રને યાદ કર્યા છે અને તેમને માટે પોતાના દિલની વાત લખી છે. શાહરુખે પોતાના સંદેશમાં લખ્યું છે, ‘રેસ્ટ ઇન પીસ ધરમજી, તમે મારા માટે પિતા સમાન હતા. તમે મને જે પ્રેમ અને આશીર્વાદ આપ્યા એ માટે જીવનભર આભારી રહીશ. તમારી વિદાય માત્ર તમારા પરિવાર માટે નહીં, પણ સમગ્ર વિશ્વના સિનેમાજગત માટે મોટો આઘાત છે. તમે અમર છો અને તમારો આત્મા તમારી શાનદાર ફિલ્મો અને તમારા સુંદર પરિવાર દ્વારા હંમેશાં જીવંત રહેશે. હંમેશાં પ્રેમ.’