04 December, 2025 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમન્થા રુથ પ્રભુ અને રાજ નિદિમોરુ
સમન્થા રુથ પ્રભુએ સોમવારે પ્રેમી રાજ નિદિમોરુ સાથેનાં લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને પોતાનાં લગ્નની જાહેરાત કરી હતી. રિપોર્ટ પ્રમાણે સમન્થા અને રાજ લગ્ન પછી એક દિવસ માટે ગોવામાં હનીમૂન મનાવવા ગયાં હતાં. રાજ નિદિમોરુએ સમન્થાને લગ્નની ભેટરૂપે નવા ઘરની ચાવીઓ આપી છે. તેમનું આ નવું ઘર હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં આવેલું છે.
સમન્થા લગ્ન પછી હનીમૂન પર જતી વખતે બહુ ખુશ હતી. તેણે ઍરપોર્ટ પર પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જીવનમાં મેં ક્યારેય આટલી ખુશી નથી અનુભવી. રાજ મને એવી રીતે પૂર્ણ કરે છે કે હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. અમે એક દિવસના હનીમૂન પર જઈ રહ્યા છીએ. હાલ તો હું આટલા સમય માટે જ હનીમૂન અફૉર્ડ કરી શકું છું, કારણ કે ૪ ડિસેમ્બરથી મારું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. અમે પછી એક સરસ હનીમૂન પર જઈશું.’
સમન્થા રુથ પ્રભુની દોઢ કરોડ રૂપિયાની એન્ગેજમેન્ટ રિંગ પણ ચર્ચામાં
સમન્થા રુથ પ્રભુએ ફિલ્મમેકર રાજ નિદિમોરુ સાથે પહેલી ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. આ બન્નેનાં બીજાં લગ્ન છે. તેમનાં લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જેમાં સમન્થાની ખાસ વીંટીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીંટીને લૉઝેન્જ પોર્ટ્રેટ કટ ડાયમન્ડ રિંગ કહેવામાં આવે છે. એમાં ડાયમન્ડ્સને ખાસ આકારમાં કાપવામાં આવે છે જેથી એ કાચ જેવા દેખાય. આ એન્ગેજમેન્ટ રિંગની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયા જેટલી છે.