14 November, 2025 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાનિયાએ આ ખુલાસો તેના નવા શરૂ થયેલા યુટ્યુબ ટૉક-શોમાં કર્યો છે
ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાના જીવન સાથે સંકળાયેલો ખુલાસો કર્યો છે કે ૨૦૨૪માં શોએબ મલિક સાથેના તલાક બાદ તેને પૅનિક અટૅક આવ્યો હતો અને એ સમયે તેને મિત્ર અને ફિલ્મમેકર ફારાહ ખાને સાથ આપ્યો હતો. સાનિયાએ આ ખુલાસો તેના નવા શરૂ થયેલા યુટ્યુબ ટૉક-શો ‘સર્વિંગ ઇટ અપ વિથ સાનિયા’ના પહેલા એપિસોડમાં કર્યો છે. આ એપિસોડમાં મહેમાન તરીકે ફારાહ ખાને હાજરી આપી હતી.
આ શોમાં સાનિયાએ તેણે અનુભવેલા પૅનિક અટૅકને યાદ કરીને કહ્યું હતું કે ‘એ દિવસ મારા જીવનના સૌથી મુશ્કેલ દિવસોમાંનો એક હતો. જોકે આ કટોકટીના સમયમાં ફારાહ મારા શોના સેટ પર આવી હતી અને તેણે મને લાઇવ શો માટે તૈયાર થવામાં મદદ કરી હતી. હું આ વાત કદાચ કૅમેરા પર કહેવા નહોતી માગતી પણ આ ક્ષણ મારી જિંદગીની સૌથી કપરી ક્ષણોમાંની એક હતી. મારે લાઇવ શો કરવાનો હતો અને હું પૅનિક અટૅકને કારણે કાંપી રહી હતી. મારી હાલત વિશે જાણીને ફારાહ તરત સેટ પર આવી અને મને શો કરવાનો કૉન્ફિડન્સ આપ્યો.’
ફારાહે પણ આ ઘટના યાદ કરીને કહ્યું કે ‘હું સાનિયાની હાલત જોઈને ખૂબ ડરી ગઈ હતી. મારે એ દિવસે શૂટિંગ કરવું હતું, પરંતુ હું બધું છોડીને મારા પાયજામા અને ચંપલમાં જ ત્યાં પહોંચી હતી. એ ક્ષણે હું માત્ર મારી મિત્રનો સાથ આપવા ઇચ્છતી હતી. જોકે તલાક પછી સિંગલ મધર તરીકે બાળકનો ઉછેર મુશ્કેલ છે. એકલા હાથે બધું કરવું સહેલું નથી. આ ડબલ મહેનત છે, પણ તું દીકરા ઇઝહાનની સંભાળ બહુ સારી રીતે કરી રહી છે.’