✕

મારા પપ્પાએ મને ફિલ્મમાં કામ અપાવવા માટે કોઈ પાસે આજીજી નથી કરી: સારા અલી ખાન

29 October, 2026 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારા અલી ખાને કહ્યું કે ફિલ્મી પરિવારની હોવાના કારણે મને તક મળી, પણ એ માટે મને દોષી ઠેરવવી યોગ્ય નથી.

સારા અલી ખાન

સારા અલી ખાન ફરી એક વાર નેપોટિઝમ વિશેના પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. ફિલ્મી પરિવારમાંથી આવતી સારાએ સ્વીકાર્યું છે કે તેના બૅકગ્રાઉન્ડને કારણે તેને બૉલીવુડમાં પ્રવેશ મેળવવામાં મદદ મળી છે, પણ નેપોટિઝમ વિશે સતત થતી ચર્ચામાં ઘણી વાર કલાકારોની મહેનતને અવગણવામાં આવે છે.

નેપોટિઝમ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં સારાએ કહ્યું હતું કે ‘હું એટલી ભોટ નથી કે આ વાત સ્વીકારું નહીં કે ફિલ્મી પરિવારની હોવાના કારણે મારા માટે તકનાં દ્વાર ખૂલ્યાં હતાં. મને તકો મળી, ઓળખ મળી અને કદાચ અભિનેત્રી બનતાં પહેલાં જ પ્રસિદ્ધિ પણ મળી ગઈ હતી. જોકે આ બધું હોવા છતાં ક્યારેક મને લાગે છે કે લોકોની અપેક્ષાઓનું સ્તર ખૂબ ઊંચું હોય છે. લોકો માટે નેપોટિઝમ હવે નકારાત્મક શબ્દ બની ગયો છે. મને જે વાત સારી નથી લાગતી એ એ છે કે એના કારણે કોઈની મહેનતનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. મેં પહેલાં પણ કહ્યું છે અને ફરી કહીશ કે જાહ્‌નવી હોય, અનન્યા હોય કે હું... અમે એ પસંદ કર્યું નહોતું કે અમારો જન્મ કયા પરિવારમાં થશે. જે બાબતમાં અમારી કોઈ ભૂલ જ નથી એના માટે અમને દોષી ઠેરવવાં યોગ્ય છે એવું મને લાગતું નથી. હું મારી મમ્મી સાથે રહું છું. મારા પપ્પા એવા નહોતા કે તેઓ લોકોની ઑફિસમાં જઈને મને ફિલ્મોમાં કામ આપવા માટે લોકોને વિનંતી કરે, તેમની સામે આજીજી કરે કે કાલાવાલા કરે. જ્યારે ‘કેદારનાથ’ ફિલ્મના સમયગાળા દરમ્યાન સમસ્યા ઊભી થઈ હતી ત્યારે હું પોતે જ એનો ઉકેલ લાવી રહી હતી. એ સમયે મારી સાથે કોઈ નહોતું. આ બેધારી તલવાર જેવું છે, કારણ કે ફિલ્મઉદ્યોગમાં મારો કોઈ ગૉડફાધર રહ્યો નથી.’

sara ali khan Ananya Panday janhvi kapoor indian films film city bollywood controversies bollywood news bollywood gossips bollywood