સ્મશાનમાં સતીશ શાહને અનોખી વિદાય

27 October, 2025 08:11 AM IST  |  Mumbai | Rashmin Shah

સારાભાઈ વર્સસ સારાભાઈની ટીમનો નિયમ હતો કે છૂટા પડતી વખતે એનું થીમ-સૉન્ગ બધાએ એકસાથે અને મોટા અવાજે ગાવાનું. ગઈ કાલે સતીશ શાહને અગ્નિદાહ અપાયા પછી શોની આખી ટીમે એ નિયમ પાળ્યો અને ચિતાની સામે સતીશભાઈની ગેરહાજરીમાં ભારે હૃદયે એ ઍન્થમ ગાઈ

ગઈ કાલે સતીશ શાહને અગ્નિદાહ અપાયા પછી ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’નું થીમ-સૉન્ગ ગાઈને તેમને ઇમોશનલ વિદાય આપતા આ શોના સાથીઓ.

વિલે પાર્લેના પવનહંસ સ્મશાનગૃહમાં ગઈ કાલે પંચમહાભૂતમાં વિલીન થનારા જાણીતા ઍક્ટર સતીશ શાહને અગ્નિદાહ આપવામાં આવ્યા પછી ત્યાં હાજર રહેલા લોકોનું ધીમે-ધીમે વિખેરાવાનું શરૂ થયું અને પછી ગણ્યાગાંઠ્યા અને પરિવારના સભ્યો જ ત્યાં હાજર હતા. મીડિયા પણ ધીમે-ધીમે ત્યાંથી જવા માંડ્યું હતું. કહો કે હાર્ડ્લી ૧૫-૨૦ લોકો ત્યાં હતા એવામાં ૮ જણની એક ટીમ આગળ આવી અને તેમણે સતીશ શાહની ચિતા સામે સૉન્ગ શરૂ કર્યું, જે પૉપ્યુલર હિન્દી સિરિયલ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની ઍન્થમ હતી. ગીત પૂરી ખુશી સાથે, આનંદ સાથે ગાવામાં આવ્યું અને બધા જોતા રહી ગયા. ગીત ગાવા માટે આગળ આવનારી ટીમમાં ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ શોના પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયા, રાઇટર અને લિરિક્સ-રાઇટર આતિશ કાપડિયા, ડિરેક્ટર અને ઍક્ટર દેવેન ભોજાણી, શોના અન્ય ઍક્ટર રાજેશ કુમાર, સુમિત રાઘવન અને રૂપાલી ગાંગુલી હતાં. શોના પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘આ અમારી આખી ટીમનું રિચ્યુઅલ હતું. અમે જ્યારે પણ મળતાં ત્યારે આ સૉન્ગ સાથે ગાતાં. સતીશભાઈની હાજરીમાં છેલ્લી વાર ગીત ગાવાનું હતું. અમને બધાને હતું કે સતીશભાઈ જો અત્યારે સામે હોત તો તેમણે જ આ ગીત શરૂ કર્યું હોત. હવે તેઓ સામે હતા, પણ અમને કહી શકે એમ નહોતા તો પછી અમારે શું કામ એ પ્રથા તોડવાની. મનમાં બધાના હતું પણ રૂપાલીની જીભ પર આવ્યું કે આપણે તેમની સામે છેલ્લી વાર એ ગીત ગાઈએ.’

નૅચરલી સ્મશાનમાં આવી વાત થાય એટલે સહેજ ખચકાટ થાય અને ડર પણ લાગે કે આવું કરતાં કોઈ તેમને ટોકે તો? એટલે બધાએ થોડી વાર સંયમ જાળવવાનું નક્કી કર્યું અને સ્મશાનગૃહ ખાલી થવાની શરૂઆત થઈ એ પછી બધા એકસાથે ટીમ બનાવીને આગળ વધ્યા અને સતીશ શાહની ચિતા સામે તેમણે શોની ઍન્થમ ગાઈ.

સારાભાઈ ગ્રુપ અને સતીશ શાહ

 ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ શો બંધ થયાને દસકાઓ વીતી ગયા છતાં આ શોનું વૉટ્સઍપ-ગ્રુપ આજે પણ અકબંધ છે. શોના ડિરેક્ટર-ઍક્ટર દેવેન ભોજાણી કહે છે, ‘અમારાં બધાં ગ્રુપમાં જો સૌથી વધુ ઍક્ટિવ કોઈ ગ્રુપ હોય તો એ અમારું સારાભાઈ-ગ્રુપ અને એ ગ્રુપમાં મૅક્સિમમ મેસેજ પણ સતીશભાઈના જ આવે. સારા જોકથી લઈને ઇમ્પોર્ટન્ટ ન્યુઝ તેઓ મૂકે. વાઇલ્ડલાઇફના તેઓ ફૅન એટલે વાઇલ્ડલાઇફને લગતા આર્ટિકલ્સ કે એના શૉટ્સ પણ તેઓ એમાં મૂકતા રહે.’

 ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ શોની આખી ટીમ નિયમિત છ-આઠ મહિને એક વાર અચૂક મળે. આતિશ કાપડિયા કહે છે, ‘તેમની હેલ્થ વિશે અમને ખબર હતી, પણ આવી તો અમે કોઈએ કલ્પના પણ નહોતી કરી. સામાન્ય રીતે શો બંધ થયા પછી થોડો સમય બધા વચ્ચે બૉન્ડિંગ રહે, પણ કુદરતી જ અમે તો શોનાં વીસ-બાવીસ વર્ષ પછી પણ એક ફૅમિલીની જેમ જ રહ્યા. આજે એવું લાગે છે કે અમે સાચે અમારી ફૅમિલીના વડીલને ગુમાવી દીધા.’

બૉક્સઃ

સોંપ્યું એ કામ તો તેં કર્યું નહીં        

પચીસમી તારીખે સતીશભાઈનું નિધન થયું, પણ આગલી રાતે મોડે સુધી તેમણે રત્ના પાઠક-શાહ સાથે ચૅટ કરી હતી તો ૨૩ ઑક્ટોબરે ૮ વાગ્યે તો તેમણે જે. ડી. મજીઠિયા અને તેમની ફૅમિલી સાથે સ્પીકરફોનમાં લાંબી વાતો કરી. બન્યું એવું કે જે. ડી. અને તેમની ફૅમિલી ભાઈબીજના દિવસે સાંજે તેમને મળવા માટે ઘરે જવાના હતા. જે. ડી. મજીઠિયા કહે છે, ‘બન્યું એવું કે બધું પતાવતાં અમને સાડાઆઠ થઈ ગયા એટલે અમે તેમના ઘરની નીચેથી તેમને ફોન કર્યો. ફોન તેમણે રિસીવ ન કર્યો એટલે અમે આગળ વધ્યા. હજી તો ૨૦૦ મીટર આગળ વધ્યા હોઈશું ત્યાં તેમનો ફોન આવ્યો. મને કહ્યું કે આજે બહુ થાકી ગયો છું એટલે સૂઈ ગયો હતો. પછી તેમને ખબર પડી કે મારી બન્ને દીકરી અને વાઇફ નીપા પણ સાથે છે એટલે મને કહે કે ફોન સ્પીકર પર મૂક અને તેમણે બધા સાથે ઘણી વાતો કરી. છેલ્લે મેં તેમને કહ્યું કે મારે લાયક કંઈ કામ હોય તો કહેજો. તો મને કહે કે તને સોંપ્યું છે એ કામ તો તેં કર્યું નહીં. હું શૉક્ડ, એવું બને જ નહીં. પછી મેં પૂછ્યું કે કયું કામ? તો મને કહે, કિડની આપવાનું... આટલું કહીને તેઓ ખડખડાટ હસી પડ્યા.’

આ જ મજાક થોડી વાર પહેલાં સતીશ શાહે સંજય દત્ત સાથે કરી હતી જે વાત પણ તેમણે જે. ડી. મજીઠિયાને કરી હતી. જે. ડી. કહે છે, ‘મને કહે કે તારી જેમ જ સંજુ પણ કિડનીનું સાંભળીને હેબતાઈ ગયો હતો.’

આ છે ઍન્થમ
યે જો નઝર આતે હૈં યે વો તો હૈં નહીં
દેખો ઇન્હેં ગૌર સે તો દિખેંગે યે ઔર કોઈ
ઝુબાં પે ઓ માય માય કિતને પ્યારે હૈં
દિલોં મેં યુ ડોન્ટ નો વો અંગારે હૈં
સૉફિસ્ટિકેશન ઇનકી સરનેમ હૈ
હિપોક્રસી મેં જીતે યે સારે હૈં
એક પલ મેં બનતી હૈ, પલ મેં બિગડતી હૈ
યુ કાન્ટ સે વેન, હાઉ ઑર વાય
સારાભાઈ વર્સસ સારાભાઈ

satish shah celebrity death bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news columnists