✕

એક સમયે પેટ ભરીને જમવાના હતા સાંસા અને આજે છે ૧૫૦ કરોડ રૂપિયાનો માલિક

16 November, 2026 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામાયણમાં લક્ષ્મણનો રોલ કરીને પ્રશંસા મેળવનાર ટીવી-ઍક્ટર રવિ દુબેની સક્સેસ-સ્ટોરીના પાયામાં આકરો સંઘર્ષ છે

રવિ દુબે અને પત્ની સરગુન

‘રામાયણ’માં ટીવી-ઍક્ટર રવિ દુબેએ લક્ષ્મણના રોલમાં પોતાની ઍક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મ રવિની કરીઅરમાં અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને તેને ૪૦૦૦ કરોડ રૂપિયાના જંગી બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર અને યશ જેવા કલાકારો સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી છે. રવિએ પોતાની કરીઅરની શરૂઆતમાં ભારે સંઘર્ષ કર્યો હતો, પણ આજે તેની અને તેની પત્ની સરગુન મહેતાની સંયુક્ત નેટવર્થ અંદાજે ૧૫૦ કરોડ રૂપિયા છે. રવિએ ઘણી વખત પોતાની શરૂઆતની કારકિર્દીના સંઘર્ષ વિશે વાત કરી હતી. ટીનેજનાં અંતિમ વર્ષો અને વીસમા વર્ષની શરૂઆતમાં તેણે મેન્ટલ હેલ્થને લગતી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તેમ જ એક તબક્કે જીવનથી નિરાશ થઈને તેણે આત્મહત્યા કરવાના વિચારો પણ કર્યા હતા.

નિષ્ફળતાથી હતાશ

રવિ ૨૦૦૧માં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે ગુરુગ્રામથી મુંબઈ આવ્યો હતો. એ સમયે તેણે ક્યારેય પિતા સામે ઍક્ટર બનવાની ઇચ્છા વ્યક્ત કરી નહોતી, પણ તેના પિતા સમજી ગયા હતા કે રવિનાં સપનાં મોટાં છે અને એટલે જ તેમણે મુંબઈની કૉલેજ પસંદ કરી હતી, જેથી પોતાનાં સપનાં પૂરાં કરવાની તક મળી શકે. સ્કૂલના દિવસોમાં રવિ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો, પણ કૉલેજનો અનુભવ તેની કલ્પના કરતાં સાવ અલગ રહ્યો. કૉલેજમાં મળેલી પોતાની નિષ્ફળતાના અનુભવ વિશે વાત કરતાં રવિએ કહ્યું હતું કે  ‘હું પહેલા સેમેસ્ટરમાં પાંચમાંથી ચાર વિષયમાં નાપાસ થયો હતો. બીજા સેમેસ્ટરમાં પણ પરિણામ આવું જ આવ્યું હતું. સતત નિષ્ફળતા મળતાં હું ગુરુગ્રામમાં પોતાના ઘરે પાછો ફર્યો હતો. આ સમયગાળા દરમ્યાન પરિવારનો ભરપૂર સહકાર હોવા છતાં મને મેન્ટલ હેલ્થને લગતી સમસ્યાઓ સતાવવા લાગી હતી. લોકો કહેતા હતા કે તું નાપાસ થયો એટલે પાછો આવી ગયો, ત્યાં ભણતો નથી કે શું? હું યુવાન હતો, સંવેદનશીલ હતો અને લોકોની વાતોથી ઝડપથી પ્રભાવિત થઈ જતો હતો. આવી નાની વાતે પણ મને માનસિક રીતે એટલો હચમચાવી દીધો કે મેં આત્મહત્યા કરવાના વિચારો કર્યા હતા. સદનસીબે, હું એ બાબતમાં પણ નિષ્ફળ રહ્યો.’

ધૂ્ંધળું ભવિષ્ય

નિષ્ફળતાના સમયની પોતાની માનસિક સ્થિતિ વિશે વાત કરતાં રવિએ કહ્યું હતું કે ‘એ સમયે મને આવતા આત્મહત્યાના વિચારો પાછળનું કારણ માત્ર કૉલેજમાં મળેલી નિષ્ફળતા નહોતી, પણ મને એવું લાગતું હતું કે હવે આગળ વધવાનો કોઈ રસ્તો જ નથી. મારું મગજ સતત નેગેટિવિટીથી ઘેરાયેલું રહેતું હતું. હું જાણે ઝોમ્બીની જેમ ચાલતો હતો. જોકે સમયે મને શક્તિશાળી બનાવ્યો છે. તમે પ્રયાસ કરો તો તમારી જાતને બીજા કોઈ કરતાં વધુ સક્ષમ બનાવી શકો છો. કૉલેજની સફર મારા માટે ખૂબ મુશ્કેલ રહી હતી, પણ કોઈક રીતે મેં મારી ડિગ્રી પૂરી કરી હતી. એન્જિનિયરિંગ કૉલેજના ત્રીજા વર્ષમાં મેં જાહેરાતો માટે ઑડિશન આપવાનું શરૂ કર્યું હતું. જોકે પહેલા ઑડિશનમાં સફળતા મેળવતાં મને થોડાં વર્ષો લાગ્યાં હતાં. આખરે મને ડિરેક્ટર શૂજિત સરકાર સાથે જાહેરાતમાં કામ કરવાની તક મળી હતી, જે મારો પહેલો પ્રોજેક્ટ બન્યો હતો.’

પહેલી અૅડના ૧૦ હજાર રૂપિયા

લાંબા સમય સુધી પ્રયાસ કર્યા બાદ રવિને ૨૦૦૫માં એક બાઇકની જાહેરાતમાં કામ કરવાની તક મળી હતી. આ કામ માટે તેને ૧૦ હજાર રૂપિયા મહેનતાણું મળ્યું હતું. રવિ જાણતો હતો કે તેનાં મમ્મી-પપ્પાએ તેના શિક્ષણ પાછળ ઘણી મોટી રકમ ખર્ચી હતી. તેથી જ્યારે તેને પહેલો પગાર મળ્યો ત્યારે તેણે નક્કી કર્યું હતું કે હવે તે મમ્મી-પપ્પા પાસેથી ક્યારેય પૈસા નહીં લે.

પોતાના આ નિર્ણય વિશે વાત કરતાં રવિએ કહ્યું હતું કે ‘મેં નક્કી કર્યું હતું કે હવે મમ્મી-પપ્પા પાસેથી પૈસા નહીં લઉં. હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છું અને બે ટંકનું ભોજન મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે એ વાત મેં તેમને ક્યારેય કહી નહોતી. એ સમયે મેં કોઈની પાસે મદદ માગી નહોતી, પણ મારી આસપાસના લોકો મારા પડખે ઊભા રહ્યા હતા. મિત્રો મારા માટે ભોજન લઈને આવતા હતા. કદાચ તેમને લાગતું હશે કે આ યુવક એકલો રહે છે અને કુંવારો છે એટલે તેમણે મને ખૂબ મદદ કરી હતી.’

ઍક્ટિંગની દુનિયામાં એન્ટ્રી

રવિની ઍક્ટિંગની દુનિયામાં એન્ટ્રી દૂરદર્શનની એક સિરિયલથી થઈ હતી. તેને ૨૦૦૬માં દૂરદર્શનની એક
ટીવી-સિરિયલમાં મુખ્ય ભૂમિકા મળી હતી. દિલીપકુમાર અને સાયરાબાનુ દ્વારા નિર્મિત આ સિરિયલનું નામ ‘સ્ત્રી યે તેરી કહાની’ હતું. આ સિરિયલનું શૂટિંગ દિલીપકુમારના ઘરે પણ થયું હતું. આ રીતે રવિને ભારતીય સિનેમાના એક દિગ્ગજ કલાકાર સાથે સમય વિતાવવા અને તેમની પાસેથી ઘણું શીખવાની તક મળી હતી.

૨૦૧૦માં રવિને ટીવી-શો ‘સાસ બિના સસુરાલ’થી પહેલી મોટી સફળતા મળી હતી. જોકે ૨૦૧૪માં આવેલા શો ‘જમાઈ રાજા’એ તેને ટેલિવિઝનનો સ્ટાર બનાવી દીધો હતો. આ દરમ્યાન તેણે ‘નચ બલિયે’, ‘ખતરોં કે ખિલાડી’, ‘એન્ટરટેઇનમેન્ટ કી રાત’ જેવા અનેક રિયલિટી શોમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તેણે અન્ય રિયલિટી શોનું સંચાલન પણ શરૂ કર્યું હતું.

લાઇફની લક્ષ્મી

ટીવીની દુનિયામાં સફળતા મેળવી રહેલા રવિની ૨૦૦૯માં ટીવી-શો ‘12/24 કરોલ બાગ’ના શૂટિંગ દરમ્યાન ટીવી-ઍક્ટ્રેસ સરગુન મહેતા સાથે મુલાકાત થઈ હતી અને ૨૦૧૩માં તેમણે લગ્ન કર્યાં હતાં. આ મુલાકાતે રવિનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. રવિ અનેક વખત પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સરગુનના આશાવાદી સ્વભાવને શ્રેય આપી ચૂક્યો છે. સરગુન સાથેની રિલેશનશિપ વિશે વાત કરતાં રવિએ કહ્યું હતું કે ‘અમે બન્ને એકબીજામાં જાણે પઝલના બે ટુકડાની જેમ એકદમ ફિટ બેસીએ છીએ. જ્યારે તમે એકબીજાનાં સપનાંમાં સહભાગી બનો છો, એકબીજાની લાગણીઓ અને વિચારો સાથે તાલમેલ સાધો છો અને એકબીજાના ઉત્તમ સાથી બનો છો ત્યારે જ સાચા અર્થમાં પ્રેમ થાય છે. તેનાં સપનાં મારાં સપનાં છે અને અમે વ્યક્તિગત રીતે નહીં, પણ એક યુનિટ તરીકે સફળતા મેળવીએ છીએ.’

એક સમયે ભરપેટ ભોજન મેળવવા માટે સંઘર્ષ કરનાર રવિ હવે ટેલિવિઝનના સૌથી સફળ કલાકારોમાંનો એક બની ગયો હતો. તે પોતાની સફળતાનું સંપૂર્ણ શ્રેય પત્ની સરગુનને આપે છે અને ઘણી વખત જાહેરમાં કહી ચૂક્યો છે કે મારી લાઇફની લક્ષ્મી તો મારી સરગુન જ છે.

મેં કહ્યું હતું કે આ દિવાળીએ આપણો વનવાસ પૂરો થઈ જશે: રામાયણમાં લક્ષ્મણનો રોલ કરીને લોકપ્રિયતા મેળવનાર પતિ રવિ દુબે માટે સરગુન મહેતાએ કરી ઇમોશનલ પોસ્ટ

રવિ દુબેની પત્ની સરગુને સોશ્યલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શૅર કરીને પતિના ૨૧ વર્ષના સંઘર્ષની કહાની રજૂ કરી છે. આ પોસ્ટમાં તેણે રવિની મહેનત, ધીરજ અને અતૂટ વિશ્વાસને બિરદાવવાની સાથે તેની સફળતા પર ગર્વ પણ વ્યક્ત કર્યો છે. પોતાની પોસ્ટમાં સરગુને લખ્યું છે, ‘મેં કહ્યું હતું કે આ દિવાળીએ આપણો વનવાસ પૂરો થઈ જશે. વાલ્મીકિ રામાયણમાં એક શ્ળોક છે જે લક્ષ્મણજીએ શ્રી રામને કહ્યો હતો. આ શ્ળોકનો મતલબ છે કે સંકલ્પથી મોટી કોઈ શક્તિ નથી અને જે વ્યક્તિ આ ભાવનાને જીવંત રાખે છે તેના માટે કંઈ પણ પ્રાપ્ત કરવું અશક્ય નથી. આ વાત હંમેશાં તારા હૃદયમાં રહી છે. ૨૧ વર્ષની રાહ,

ઉતાર-ચડાવ, લોકોની વાતો, ટીકાઓ અને અનેક અડચણો. આજે તારા અતૂટ વિશ્વાસ અને દૃઢતાની સામે બધું જ હારી ગયું છે. સૌથી ખરાબ સમયગાળામાં પણ તેં ક્યારેય કોઈના વિશે ખોટું કહ્યું નથી કે કંઈ ખોટું કર્યું નથી. દરેક મુશ્કેલ દિવસે તેં માત્ર પોતાની જાતને વધુ સારી બનાવવામાં ધ્યાન આપ્યું. કંઈક નવું શીખતો રહ્યો, જેથી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે કોઈ બહાનું બાકી ન રહે. આજે હું કોઈને પણ મળું કે ઇન્ટરનેટ પર કંઈ પણ જોઉં, તારી જીત દરેકને પોતાની જીત જેવી લાગી રહી છે. તારી જીત આશા જગાવે છે અને મને વિશ્વાસ અપાવે છે કે અંતે સત્ય અને સારપનો જ વિજય થાય છે. આજે મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું છે, કારણ કે હું હંમેશાં કહેતી આવી છું કે મારો પતિ જ મારા માટે ભગવાન છે. હવે બધા પણ એવું જ કહેશે. મને તારા પર હંમેશાં ગર્વ રહ્યો છે, પણ આજે હું તારી સૌથી મોટી ચાહક પણ છું. તું મારા જીવનનો પ્રકાશ છે. તું વધુ ને વધુ ચમકતો રહે અને સૌથી વધારે ઝળહળતો રહે. આ દિવાળીને મારા જીવનની સૌથી શાનદાર દિવાળી બનાવવા બદલ તારો આભાર.’

ramayan ravi dubey nitesh tiwari bollywood buzz bollywood news bollywood entertainment news