29 October, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ સાથે સૂર પુરાવતાં મધુ શાહ.
લોકપ્રિય ઍક્ટર સતીશ શાહનું ૨૫ ઑક્ટોબરે ૭૪ વર્ષની વયે અવસાન થયું હતું. સોમવારે જુહુમાં આવેલા જલારામ હૉલમાં સતીશ શાહની પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં રાકેશ રોશન, શત્રુઘ્ન સિંહા, સોનુ નિગમ, રૂપાલી ગાંગુલી, શબાના આઝમી, તન્વી આઝમી, પદ્મિની કોલ્હાપુરે, અનુપ સોની, સુપ્રિયા પાઠક, રઝા મુરાદ, જૉની લીવર તેમ જ તેમની લોકપ્રિય સિરિયલ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના તમામ સાથી-કલાકારોએ હાજરી આપી હતી.
ઇમોશનલ ક્ષણ
સોમવારે યોજાયેલી સતીશ શાહની પ્રાર્થનસભાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં સોનુ નિગમ અને સતીશ શાહનાં પત્ની મધુ શાહ દિવંગત ઍક્ટરનું મનપસંદ ગીત ‘તેરે મેરે સપને’ ગાય છે. એ સમયે ઇમોશનલ વાતાવરણ સર્જાય છે. સતીશ શાહનાં પત્ની મધુને ઑલ્ઝાઇમર્સની બીમારી છે જેમાં વ્યક્તિ ધીમે-ધીમે પોતાની યાદશક્તિ ગુમાવી દે છે. રિપોર્ટ પ્રમાણે બીમાર પત્નીની સેવા કરવા માટે જ સતીશ શાહે કિડની-ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન કરાવ્યું હતું. મધુ શાહ અને સોનુ નિગમનો આ વિડિયો જોઈને ફૅન્સ પણ ઇમોશનલ થઈ ગયા હતા.
ટીમ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ની શ્રદ્ધાંજલિ
સતીશ શાહની પ્રાર્થનાસભામાં ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના સહકલાકારોએ પણ તેમને વિશેષ શ્રદ્ધાંજલિ આપી હતી. રૂપાલી ગાંગુલી, સુમિત રાઘવન, રાજેશ કુમાર, શોના ડિરેક્ટર-ઍક્ટર દેવેન ભોજાણી, પ્રોડ્યુસર જે. ડી. મજીઠિયા તેમ જ રાઇટર-લિરિક્સ રાઇટર આતિશ કાપડિયાએ સાથે મળીને આ શોનું થીમ-સૉન્ગ ગાયું હતું. એ સમયે બધા ખૂબ ભાવુક દેખાયા હતા. સતીશ શાહના અંતિમ સંસ્કારના સમયે પણ ટીમે આ ગીત ગાયું હતું, કારણ કે છૂટા પડતી વખતે બધાએ થીમ-સૉન્ગ એકસાથે મોટા અવાજે ગાવાનો ટીમનો
નિયમ હતો.
રૂપાલી ગાંગુલીએ હાથ જોડીને કરી વિનંતી
સતીશ શાહની પ્રાર્થનાસભા પછી જ્યારે તેમનાં પત્ની મધુ શાહ બહાર આવી રહ્યાં હતાં ત્યારે ફોટોગ્રાફર્સે તેમની તસવીરો ક્લિક કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે રૂપાલી ગાંગુલીએ તેમને હાથ જોડીને કહ્યું કે ‘કાકી કે ફોટો મત લો, ઉન્હેં જાને દો.’ હકીતમાં મધુ શાહ ઑલ્ઝાઇમર્સથી પીડાય છે અને તેમની પ્રાઇવસીનો ભંગ ન થાય એ માટે રૂપાલીએ ફોટોગ્રાફર્સને તેમની તસવીરો ક્લિક ન કરવાની વિનંતી કરી હતી જે તેમણે માની લીધી હતી. આ ઘટનાનો વિડિયો જોઈને ફૅન્સે રૂપાલીની ભાવુકતા અને સંવેદનશીલતાની પ્રશંસા કરી છે.