30 December, 2025 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સેક્શન 375’ના રાઇટર મનીષ ગુપ્તા
‘ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્નાએ અચાનક જ ‘દૃશ્યમ 3’ છોડીને સૌને ચોંકાવી દીધા છે. આ ઘટનાથી ‘દૃશ્યમ 3’ના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠક પણ ખૂબ નારાજ થયા છે અને તેમણે અક્ષય ખન્નાને કાયદેસર નોટિસ પણ મોકલી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે ૨૦૧૯માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘સેક્શન 375’ના રાઇટર મનીષ ગુપ્તાનું એક જૂનું નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે જેમાં તેણે અક્ષય ખન્ના પર સેટ પર પૉલિટિક્સ કરવાનો અને બધા સાથે અપમાનજનક વર્તન કરવાનો આરોપ મૂક્યો હતો.
મનીષ ગુપ્તાએ ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘‘સેક્શન 375’ લખવામાં મને ત્રણ વર્ષ લાગ્યાં. હું કોર્ટની ૧૬૦ સુનાવણીઓમાં હાજર રહ્યો. મેં જજ, વકીલો અને રેપપીડિતો સાથે મુલાકાત કરી. આ ફિલ્મનો વિચાર મને શાઇની આહુજાના કેસ પરથી આવ્યો. જ્યારે શાઇનીની ધરપકડ થઈ ત્યારે હું મુંબઈમાં હતો. હું મારા મિત્ર સાથે ઓશિવરા પહોંચ્યો અને પોલીસને તેની ધરપકડ વિશે પૂછપરછ કરી. આ સમયે મને કાયદા વિશે ખબર પડી. મને ખબર પડી કે આરોપ સાચો કે ખોટો એ પછી નક્કી થાય પણ પહેલાં તો ધરપકડ થાય છે. મને અંદરથી લાગ્યું કે આ બહુ ખોટું છે અને મેં ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. મેં આખી ફિલ્મ લખી, પ્રી-પ્રોડક્શન કર્યું તેમ જ અક્ષય ખન્ના, રિચા ચઢ્ઢા અને રાહુલ ભટ્ટને પસંદ કરીને સાઇન કરાવ્યાં. હું ફિલ્મનો ડિરેક્ટર હતો પણ એમ છતાં પ્રોડ્યુસર અને લીડ ઍક્ટરે મારી સાથે ખૂબ ગંદી રાજનીતિ કરી. મને ફક્ત રાઇટર તરીકે જ ક્રેડિટ મળી. આ જ છે બૉલીવુડ.’
‘સેક્શન 375’માં અક્ષય ખન્ના સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં મનીષ ગુપ્તાએ કહ્યું, ‘મેં અત્યાર સુધી જેમની સાથે કામ કર્યું છે એમાં અક્ષય ખન્ના સૌથી મુશ્કેલ છે. તે સનકી અને આળસુ છે. આખું વાતાવરણ તેના મૂડ પ્રમાણે જ હોવું જોઈએ એવું માગે છે. કોઈની વાત સાંભળતો નથી. બધાનું અપમાન કરે છે. તે ઍક્ટર સારો છે, પરંતુ સારો માણસ હોવામાં મોટો ફરક હોય છે. તેની સાથે કામ કરવા કોઈ નથી ઇચ્છતું.’