08 April, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે શાહરુખ ખાન હવે રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’માં પોલીસ-ઇન્સ્પેક્ટરનો કૅમિયો કરતા જોવા મળશે. જોકે હવે માહિતી મળી છે કે શાહરુખે તેની એક ખાસ શરત માનવામાં ન આવતાં આ ફિલ્મમાં કૅમિયો કરવાની ના પાડી દીધી છે. રિપોર્ટ પ્રમાણે ‘જેલર 2’ના નિર્માતાઓ શાહરુખનો કૅમિયો શૂટ કરવા માટે પાંચ દિવસ જેટલો સમય માગી રહ્યા હતા. શાહરુખ પહેલાં તો આ માટે તૈયાર પણ હતો, પરંતુ હાલમાં તેનું સંપૂર્ણ ધ્યાન ‘કિંગ’ પર છે. આ ફિલ્મ તેના માટે ખાસ છે, કારણ કે આ ફિલ્મથી તેની દીકરી સુહાના ખાન મોટા પડદા પર લૉન્ચ થવાની છે.
મળતી માહિતી પ્રમાણે રજનીકાંતની ફિલ્મમાં શાહરુખે કૅમિયો કરવાની ઇચ્છા તો વ્યક્ત કરી હતી, પરંતુ સાથે જ એક મહત્ત્વપૂર્ણ શરત પણ મૂકી હતી. તેણે કહ્યું કે ‘જેલર 2’ની રિલીઝ ‘કિંગ’ બાદ રાખવામાં આવે જેથી તેના ‘કિંગ’ના લુકની તાજગી જળવાઈ રહે અને એ લીક ન થાય.
શાહરુખની આ શરત માનવાનું શક્ય નહોતું બન્યું, કારણ કે ‘જેલર 2’ના નિર્માતાઓ આ ફિલ્મને ઑગસ્ટમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા હતા, જ્યારે ‘કિંગ’ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. બન્ને ફિલ્મોની ટાઇમલાઇન અલગ હોવાથી, બન્ને પક્ષોએ ચર્ચા બાદ આ કૅમિયો આગળ ન વધારવાનો નિર્ણય લીધો. મળતી માહિતી પ્રમાણે શાહરુખે પોતે રજનીકાંત સાથે વાત કરીને પોતાની અસમર્થતા વ્યક્ત કરીને જણાવ્યું કે ભવિષ્યમાં યોગ્ય સમયે તે સાથે કામ કરવા માટે તૈયાર છે.