17 February, 2026 09:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન
સોશ્યલ મીડિયામાં શાહરુખ ખાનના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે. શાહરુખના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ @iamsrkને લગભગ પાંચ કરોડ લોકો ફૉલો કરે છે અને શાહરુખ પણ સોશ્યલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ રહે છે. જોકે તાજેતરમાં આ ખુલાસો થયો છે કે આ શાહરુખનું પહેલું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ નથી અને ખાસ વાત તો એ છે કે એક હૅકરે ૧૪ વર્ષથી બંધ પડેલું શાહરુખનું પહેલું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અચાનક ઍક્ટિવ કરી દીધું, જેનું નામ @picsrk છે.
આ હૅકરે પછી જૂના અકાઉન્ટ પર પોસ્ટ કરી હતી કે ‘ગાઇઝ, હું શાહરુખ નથી. હું બસ એક અજાણ્યો માણસ છું જે બોર થઈ રહ્યો હતો તેથી પાસવર્ડ ગેસ કરવા લાગ્યો અને લૉગ-ઇન કરવામાં સફળ થયો. બસ, એટલી જ વાત છે.’
આ વ્યક્તિએ કહ્યું કે શાહરુખના આ અકાઉન્ટથી અનેક લોકો સાથે વાતો પણ કરી છે. તેણે કહ્યું કે તેણે જેટલા લોકો સુધી પહોંચી શક્યો તેટલા સાથે વાત કરી અને જેમને જવાબ ન આપી શક્યો તેમની માફી માગી. આ વ્યક્તિએ જે લોકો સાચું જાણીને પણ વાત કરતા રહ્યા તેમને થૅન્ક યુ કહ્યું. આ પછી છેલ્લે તેણે કહ્યું કે ‘કિંગ’ અને તેમના આખી દુનિયામાં ફેલાયેલા ફૅન્સના સન્માનમાં અકાઉન્ટને જેમ હતું એમ છોડીને લૉગ-આઉટ કરું છું.