13 November, 2026 11:07 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
શાહ રૂખ ખાન અને તેની ફેમિલી
શાહરુખ ખાન બુધવારે દુબઈના કોકાકોલા અરીના ખાતે ‘શાહરુખ્ઝ રેસિડેન્સિસ બાય ડૅન્યુબ’ના ભવ્ય લૉન્ચિંગ કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ પ્રોજેક્ટમાં શાહરુખના નામ પરથી આ લક્ઝરી વૉટરફ્રન્ટ રેસિડેન્શિયલ ટાવર બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં શાહરુખની સાથે તેની પત્ની અને ઇન્ટીરિયર ડિઝાઇનર ગૌરી ખાન તથા ફિલ્મમેકર કરણ જોહર પણ હાજર રહ્યાં હતાં. ગૌરીએ આ પ્રોજેક્ટનાં પેન્ટહાઉસની ડિઝાઇન તૈયાર કરી છે.
શાહરુખ પોતાની ફિલ્મોની સાથે-સાથે રમૂજી અંદાજ માટે પણ જાણીતો છે અને એનો પુરાવો દુબઈમાં મળ્યો. અહીં શાહરુખે પત્ની ગૌરી વિશે એવો ખુલાસો કર્યો કે હાજર સૌ લોકો હસી પડ્યા હતા.
કાર્યક્રમમાં કરણ જોહરે એક તબક્કે શાહરુખને સવાલ કર્યો હતો કે એવી કઈ બાબત છે જે કરવાની તેને પોતાના ઘરમાં પરવાનગી નથી? આ સવાલના જવાબમાં શાહરુખે કહ્યું હતું કે ‘અમને ઘરના વાઇ-ફાઇ વિશે ફરિયાદ કરવાની, પલંગ પર બેસીને જમવાની કે પછી ઘરના રંગ, પેઇન્ટિંગ, દાદરા, લિફ્ટ, છત અને લાઇટિંગ વિશે કંઈ પણ કહેવાની છૂટ નથી. અમે તો બસ શાંતિથી બેસીને ઘરનો આનંદ માણીએ છીએ અને ગૌરીને કહીએ છીએ કે તેં કેટલું સરસ ઘર બનાવ્યું છે. હવે અહીં આ પેન્ટહાઉસમાં આવીને પણ મારે એવું જ કહેવું પડશે કે ગૌરી, તેં કેટલું સરસ પેન્ટહાઉસ બનાવ્યું છે. ઘરની બહાર અમે સ્વતંત્ર છીએ, પણ ઘરની અંદર અમારું કંઈ ચાલતું નથી.’