04 November, 2025 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જ્યારે મારાં બાળકો મારી સલાહ માગે છે ત્યારે જ હું આપું છું
શાહરુખ ખાને બીજી નવેમ્બરે તેના જન્મદિવસની મોડી સાંજે બાંદરામાં આવેલા બાલ ગંધર્વ રંગ મંદિર ઑડિટોરિયમમાં તેના ફૅન્સ માટે યોજાયેલા ‘મીટ ઍન્ડ ગ્રીટ’ સેશનમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં શાહરુખે ફૅન્સ દ્વારા પૂછવામાં આવેલા અનેક પ્રશ્નોના જવાબ આપ્યા. આ સેશન દરમ્યાન એક ફૅને શાહરુખનાં બાળકો આર્યન અને સુહાના વિશે પ્રશ્ન પૂછ્યો કે તે એક ઍક્ટર તરીકે તેમને શું સલાહ આપશે?
આ સવાલનો જવાબ આપતાં શાહરુખે કહ્યું કે ‘હું તેમને વધારે કંઈ નથી કહેતો, કારણ કે મને લાગે છે કે ક્રીએટિવ લોકોને કંઈ કહેવાની જરૂર નથી હોતી. હું નથી ઇચ્છતો કે તેઓ એવું અનુભવે કે ‘અરે યાર, પપ્પાનું તો સાંભળવું જ પડશે, કારણ કે તે શાહરુખ ખાન છે.’ સુહાના ઍક્ટિંગમાં છે અને આર્યન ડિરેક્શનમાં છે, પણ તેઓ પોતે જ બધું સંભાળી લે છે. જ્યારે તેમને જરૂર પડે છે ત્યારે મારી સલાહ માગે છે અને ત્યારે જ હું તેમને સલાહ આપું છું. હું હંમેશાં કહું છું કે તમે એ જ કરો જે તમારે કરવું છે.’