20 January, 2026 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`કિંગ`માં શાહરુખ ખાન
શાહરુખ ખાન હવે પોતાની ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘કિંગ’માં મોટા પડદા પર જોવા મળશે. રિપોર્ટ મુજબ આ ફિલ્મને ક્રિસમસ વખતે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. આમ આ ફિલ્મ રણબીર કપૂરની ‘રામાયણ’ની રિલીઝના અંદાજે દોઢ મહિના બાદ સિનેમાઘરોમાં આવશે. મહત્ત્વની વાત એ છે કે હાલમાં ક્રિસમસ-રિલીઝ માટે કોઈ મોટી બૉલીવુડ ફિલ્મની જાહેરાત કરવામાં આવી નથી. એવા સંજોગોમાં શાહરુખ ખાનની ‘કિંગ’ બૉક્સ ઑફિસ પર એકતરફી રાજ કરી શકે છે.
‘કિંગ’ની રિલીઝ-ડેટ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘શાહરુખ ખાન અને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ પોતાની ફિલ્મની રિલીઝ માટે અનેક વિકલ્પો પર વિચાર કરી રહ્યા હતા. એ પછી ૪ ડિસેમ્બર અને ૨૫ ડિસેમ્બર એમ બે તારીખો પસંદ કરવામાં આવી. તમામ વિકલ્પો પર વિચાર કર્યા બાદ તેમણે ફિલ્મ માટે ક્રિસમસ-રિલીઝ ફાઇનલ કરી છે.’
મળતી માહિતી પ્રમાણે ‘કિંગ’ના મેકર્સે દિવાળી વખતે ‘રામાયણ’ની રિલીઝને ધ્યાનમાં રાખીને ફિલ્મને ૪ ડિસેમ્બરને બદલે ક્રિસમસમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ‘રામાયણ’ અને ‘કિંગ’ વચ્ચે લગભગ ૪૫ દિવસનું અંતર રહેશે જેથી બન્ને ફિલ્મોને પોતાનો યોગ્ય સમય મળી રહેશે.