20 June, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર
શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘કૉકટેલ 2’ રિલીઝ થઈ છે. રિલીઝ પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશને ફિલ્મને A સર્ટિફિકેટ આપીને મંજૂરી આપી હતી. આ સાથે ‘કૉકટેલ 2’ શાહિદની કારકિર્દીની પાંચમી ઍડલ્ટ-રેટેડ ફિલ્મ બની છે. અગાઉ તેની ‘કમીને’, ‘ઉડતા પંજાબ’, ‘કબીર સિંહ’ અને ‘ઓ રોમિયો’ને પણ A સર્ટિફિકેટ મળ્યું હતું.
શાહિદે હવે સેન્સર બોર્ડે આ ફિલ્મને આપેલા ઍડલ્ટ સર્ટિફિકેટ વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે ફિલ્મમાં એવું કંઈ નથી જેના કારણે એને માત્ર પુખ્ત વયના દર્શકો માટે મર્યાદિત કરવી જોઈએ.
આ મામલે વાત કરતાં શાહિદે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં એવી કોઈ પણ વસ્તુ નથી જેના પર કોઈને વાંધો હોઈ શકે. મને ખબર છે કે અમને A સર્ટિફિકેટ મળ્યું છે પણ હું હજુ પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આવું કેમ થયું. મને આ વાત સમજાઈ નથી. આ ફિલ્મ ત્રણ લોકોની વાર્તા છે. તમે તેને પરિવાર સાથે પણ જોઈ શકો છો. મને આશા છે કે દર્શકો ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાશે અને સિનેમાઘરમાંથી સકારાત્મક લાગણી સાથે બહાર આવશે.’