31 May, 2026 10:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લીક થયો અહાન પાંડેનો ગૅન્ગસ્ટર લુક
અહાન પાંડે ‘સૈયારા’ પછી જે ફિલ્મમાં કામ કરી રહ્યો છે એ એક ઍક્શન-રોમૅન્ટિક ફિલ્મ છે અને એનું ડિરેક્શન અલી અબ્બાસ ઝફર કરી રહ્યો છે. આ ફિલ્મમાં અહાન એક ગૅન્ગસ્ટરના રોલમાં જોવા મળશે. તેની સાથે ઍક્ટ્રેસ તરીકે શર્વરીને સાઇન કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં ઐશ્વર્ય ઠાકરે વિલન તરીકે જોવા મળશે. હાલમાં આ ફિલ્મની બીજી વિગતો સીક્રેટ રાખવામાં આવી છે તેમ જ એ લીક ન થાય એ માટે પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. પૂરતી તકેદારી રાખવા છતાં ફિલ્મના ઇંગ્લૅન્ડના શૂટિંગ દરમ્યાન સેટ પરનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે જેમાં અહાન અને શર્વરીની ઝલક જોવા મળી રહી છે. આ વિડિયોમાં અહાન ઑલ બ્લૅક લુકમાં તેમ જ શર્વરી મિની સ્કર્ટ અને ઓવરસાઇઝ્ડ શર્ટમાં જોવા મળી રહી છે. થોડા સમય પહેલાં જ ફિલ્મનું ૨૭ દિવસનું શૂટિંગ-શેડ્યુલ યશ રાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
શાહિદ કપૂર પોતાની આગામી ફિલ્મ ‘કૉકટેલ 2’ને લઈને ચર્ચામાં છે. ગઈ કાલે શાહિદે બાળપણની યાદો તાજી કરી અને સોશ્યલ મીડિયા પર એક ખૂબ જ ક્યુટ તસવીર શૅર કરી. તસવીરમાં નાનકડો શાહિદ એક મોટરસાઇકલની બાજુમાં ઊભો રહીને પોઝ આપતો જોવા મળે છે. તસવીરમાં તેનો આત્મવિશ્વાસભર્યો અંદાજ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ તસવીર શૅર કરતાં શાહિદે લખ્યું હતું કે ‘જ્યારે તમને બાઇકનો ખૂબ જ શોખ હોય અને તમને પોતાને પણ એની ખબર ન હોય... જેમ કે તમે આ તસવીરમાં જોઈ શકો છો. મારી ફૅશન-સેન્સ પણ બાળપણથી જ ખૂબ શાનદાર હતી.’
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા શુક્રવારે હૉસ્પિટલમાંથી પોતાના નવજાત જોડિયા દીકરાઓને ખોળામાં લઈને બહાર નીકળતાં જોવા મળ્યાં હતાં. દિવ્યાંકા અને વિવેક હૉસ્પિટલમાંથી બહાર આવ્યાં ત્યારે પરિવારના સભ્યો તેમનું સ્વાગત કરવા માટે હાજર હતા. આ દરમ્યાન કેટલીક પરંપરાગત વિધિઓ પણ કરવામાં આવી હતી.