30 May, 2026 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિનેત્રીઓ મિત્રો બની નથી શકતી એ સૌથી મોટી ગેરમાન્યતા
શર્વરી હવે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’માં જોવા મળશે. હાલમાં તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવી જ એક ઇવેન્ટમાં શર્વરીએ તેની આલિયા ભટ્ટ સાથેની મિત્રતાની વાત કરી છે. શર્વરી અને આલિયા ‘આલ્ફા’માં સાથે કામ કરી રહ્યાં છે અને આ ફિલ્મના શૂટિંગ વખતે જ તેમની વચ્ચે મિત્રતાની શરૂઆત થઈ હતી.
હાલમાં શર્વરીએ આલિયા તરફથી મળતા પ્રેમ અને સપોર્ટ વિશે કહ્યું હતું કે ‘અભિનેત્રીઓ મિત્રો બની શકતી નથી એ સૌથી મોટી ગેરમાન્યતા છે. ઘણી અભિનેત્રીઓ એકબીજાની મિત્રો હોય છે. અમારી વચ્ચે મિત્રતા છે અને તે આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો માટે મોટી ચિયરલીડર છે. આલિયાએ ખરેખર અમારી દરેક સાથે કામ કર્યું છે. આ આખી બાબત અમારા માટે વધુ ખાસ બની જાય છે, કારણ કે આ દુનિયામાં હંમેશાં તમે ઇચ્છો છો કે લોકો તમને ચિયર કરે અને તે એવી એક મોટી ચિયરલીડર છે.’
હું મારા પિતાની સલાહ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરું છું : સલમાન
સલમાન ખાન જ્યારે પણ કોઈ મુશ્કેલી અથવા ગૂંચવણમાં હોય છે ત્યારે તે પોતાના પિતા સલીમ ખાનની સલાહ પ્રમાણે કામ કરે છે. પિતા સાથેના સંબંધો વિશે વાત કરતાં સલમાન કહે છે, ‘મારા પિતા મારા સૌથી મોટા માર્ગદર્શક છે. જ્યારે હું કોઈ બાબતમાં ગૂંચવણ અનુભવું છું ત્યારે હું તેમના પાસે જાઉં છું અને તેઓ જે કહે છે હું એ જ કરું છું. સામાન્ય રીતે લોકો સલાહ તો લે છે, પણ અંતે પોતાના મનનું કરે છે પરંતુ હું એ મામલે અલગ છું. હું તેમના નિર્ણય પર આંખ બંધ કરીને વિશ્વાસ કરું છું.’