26 November, 2026 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્વરી વાઘ
શર્વરીનાં ગીતો વિવિધ પ્લૅટફૉર્મ પર ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યાં છે અને સંગીતની દુનિયામાં તેની સફળતાનો સિલસિલો સતત આગળ વધી રહ્યો છે. તેના તાજેતરના ગીત ‘ઝુમકા પટોલા’એ આ સફરમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. આ ગીત ઇન્સ્ટાગ્રામ પર ૧૦ લાખ રીલ્સનો આંકડો પાર કરી ચૂક્યું છે, જ્યારે યુટ્યુબ પર એને ૧૩૫ મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. આ ગીત ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ ઑડિયો બની ગયું છે જ્યાં લોકો ડાન્સ-વિડિયો, ગીતના રીક્રીએશન અને પોતાની આગવી રજૂઆત દ્વારા એની સાથે જોડાઈ રહ્યા છે.
શર્વરી માટે આ પ્રતિસાદને ખાસ બનાવતી બાબત એ છે કે લોકો ગીતને એના મૂળ સ્વરૂપથી આગળ લઈ જઈને એને પોતાની રીતે રજૂ કરી રહ્યા છે. ગીતને મળી રહેલા પ્રેમ વિશે વાત કરતાં તે કહે છે, ‘મારી સાથે જોડાયેલાં ગીતોની બાબતમાં હું ખરેખર ખૂબ નસીબદાર રહી છું અને ‘ઝુમકા પટોલા’ને દરેક વર્ગના દર્શકો તરફથી જે પ્રેમ અને પ્રશંસા મળી રહ્યાં છે એ જોવું ખરેખર ખૂબ જ ખાસ છે. સૌથી વધુ હૃદયસ્પર્શી બાબત એ છે કે આ ગીત જાણે પોતાની અલગ જ ઓળખ બનાવી રહ્યું છે. લોકો એને અપનાવી રહ્યા છે, એના પર ડાન્સ કરી રહ્યા છે, પોતાની આવૃત્તિઓ બનાવી રહ્યા છે અને એને પોતાની રીતે રજૂ કરવાની અલગ-અલગ રીતો શોધી રહ્યા છે. મને આ રીક્રીએશન્સ જોવાનું ખૂબ ગમે છે, કારણ કે દરેક રીક્રીએશન ગીતમાં એક નવી ઊર્જા અને અલગ અભિગમ ઉમેરે છે.’
ભૂખ લાગે ત્યારે શર્વરી થઈ જાય છે હૅન્ગ્રી
અભિનેત્રી શર્વરી પડદા પર ભલે પોતાની સુંદરતા અને શાનદાર અંદાજથી લોકોનાં દિલ જીતી લેતી હોય, પણ ઘરમાં ભૂખ લાગે ત્યારે તેનો મિજાજ સાવ બદલાઈ જાય છે. જો તેને સમયસર જમવાનું ન મળે તો તે ગુસ્સે થઈ જાય છે અને આખા ઘરમાં બૂમાબૂમ કરવા લાગે છે. આ વાતનો ખુલાસો ખુદ શર્વરીનાં મમ્મી-પપ્પાએ માધુરી દીક્ષિતના શો ‘કોણ હોણાર કરોડપતિ’માં કર્યો હતો.
હાલમાં શર્વરી પોતાની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ના પ્રમોશન માટે પોતાનાં મમ્મી-પપ્પા સાથે માધુરી દીક્ષિતના ક્વિઝ શો ‘કૌણ હોણાર કરોડપતિ’માં પહોંચી હતી. અહીં વાતચીત દરમ્યાન માધુરીએ શર્વરીને પૂછ્યું હતું કે શું તેને ગુસ્સો આવે છે અને એવી કઈ વાત છે જેનાથી તેનો પારો ચડી જાય છે. આ સવાલના જવાબમાં શર્વરીએ જણાવ્યું હતું કે જો તેને સમયસર જમવાનું ન મળે તો તેને ભૂખ પણ લાગે છે અને ગુસ્સો પણ આવે છે. પોતાની આ આદત માટે તેણે ‘હૅન્ગ્રી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. શર્વરીની આ વાતને તેનાં મમ્મી-પપ્પાએ પણ સ્વીકારી હતી.